BREAKING NEWS

દ્વારકા ઓપરેશન મ્યુલહંટ હેઠળ રૂ.૩૯ લાખના ફ્રોડમાં ત્રણ આરોપીની અટક

  • August 11, 2026 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા ઓપરેશન મ્યુલહંટ હેઠળ રૂ.૩૯ લાખના ફ્રોડમાં ત્રણ આરોપીની અટક

રાજયમાં પથરાયેલા બેન્ક એકાઉન્ટ ભાડે આપવાના મુળ સુધી પહોચવા તપાસ

દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ક્રાઇમના ગુન્હાઓ અટકાવવા અને મ્યુલ બેન્ક એકાઉન્ટ હોલ્ડરો સામે કડક કાર્યવાહી કરવા ખાસ ઓપરેશન મ્યુલ હંટ ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત બેન્ક ઓફ બરોડાની કલ્યાણપુર શાખાના એકાઉન્ટ મારફતે ૩૯,૦૮,૭૬૦ના સાયબર ફ્રોડના નાણાંની આપ-લે કરવાના કેસમાં પોલીસે બેન્ક ખાતાધારક સહિત ત્રણ ઇસમો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.

રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ, તેમજ ખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ ઇન્સપેક્ટર ઋષિતસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ અને સમન્વય પોર્ટલની મદદથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસે ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ-૬૧(૨), ૩૧૭(૨), ૩૧૮(૨), ૩૧૯(૨) તથા આઇ.ટી. એક્ટની કલમ ૬૬(ડી) હેઠળ ગુન્હો દાખલ કરી કલ્યાણપુરના કબીરનગરમાં રહેતા દિલીપભાઇ પ્રભુદાસ પાલા (ઉ.વ.૪૪) તેમજ માંગરીયા ગામના રહેવાસી શક્તિરાજસિંહ તખુભા જાડેજા (ઉ.વ.૨૧) અને ધ્રુવરાજસિંહ અજયસિંહ જાડેજા (ઉ.વ.૨૩)ની અટકાયત કરી છે.

આ સફળ કામગીરી પીઆઈ ઋષિતસિંહ રાઠોડ, પીએસઆઇ બી.કે.કડછા, આઇટી ધર્ણાંતભાઇ બંધિયા, હેડકોન્સ્ટેબલ હેભાભાઇ ચાવડા, હેડ કોન્સ્ટેબલ સાજણભાઇ સુવા તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દેવભૂમિ દ્વારકા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, ટૂંક સમયમાં વધુ પૈસા કમાવાની કે કમિશન મેળવવાની લાલચમાં પોતાના કે પોતાની પેઢીના નામે ખોલાવેલ બેન્ક એકાઉન્ટ અન્ય વ્યક્તિઓને ભાડે કે વાપરવા આપવા એ ગુન્હો બને છે અને તેનાથી કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, જેથી આવી લાલચોથી દૂર રહેવું અને આસપાસ આ પ્રકારની કોઇ પ્રવૃતી જણાય તો પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application