કાલાવડના રણુંજાના મેળામાં રાઇડસના ફીટનેશ સર્ટી માટે લાંચ લેતા બે કાર્યપાલક ઇજનેર સહિત ત્રણ ઝબ્બે
કાલાવડ રણુંજાના મેળામાં રાઇડસના ફીટનેશ સર્ટીના એક લાખ લાંચની માંગણી કરી ૫૦ હજારમાં નકકી થયુ હતું, દરમ્યાન મોરબી એસીબીની ટુકડીએ છટકુ ગોઠવીને પારેવડી ચોક પાસે ૫૦ હજારની લાંચ લેતા બે કાર્યપાલક ઇજનેર, વચેટીયા સહિત ત્રણ એસીબીની ઝપટમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
આ કામના ફરીયાદી ભાગીદારીમાં સૌરાષ્ટ્રમાં યોજાતા લોકમેળામાં યાંત્રીક રાઇડસનો ધંધો કરતા હોય અને અગાઉ ફરીયાદીએ ભાગીદારીમાં રણુજા તા.કાલાવડ જી.જામનગર ખાતેના લોકમેળામાં યાંત્રીક ચકડોળ (રાઇડસ)નો ધંધો કરેલ ત્યારે આ કામના આરોપી પિયુશ અને નિરવએ હોદ્દાની રૂએ ચેકિંગમાં ગયેલ ત્યારે આરોપી નિરવએ ફરીયાદીને યાંત્રીક ચકડોળ (રાઇડસ)નુ ફીટનેસ સર્ટી આપવાના ૧,૦૦,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી રકજકના અંતે ૫૦,૦૦૦/- આપવાનું નક્કિ કર્યુ હતું.
જે ગેરકાયદેસર લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ મોરબી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરિયાદીની ફરિયાદ આધારે પારેવડી ચોક રાજકોટ ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી પિયુશ બાંભરોલીયાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આ ગેરકાયદેસર લાંચની રકમ આરોપી સુધીરને આપવાનું કહેતા તેણે ફરીયાદી પાસેથી ગેરકાયદેસર લાંચની રકમ ૫૦,૦૦૦/- સ્વીકારી આરોપી સુધીર સ્થળ ઉપરથી પકડાઇ ગયેલ છે.
આમ પીયુષ બાબુભાઇ બાંભરોલીયા, કાર્યપાલક ઇજનેર, વર્ગ-૧, માર્ગ અને મકાન, યાંત્રીક પેટા વિભાગ, રાજકોટ અને નિરવ પ્રવિણચંદ્ર રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર, વર્ગ-૨, માર્ગ અને મકાન, યાંત્રીક પેટા વિભાગ, રાજકોટ.તથા સુધીરભાઇ નવિનચંદ્ર બાવીશી (પ્રજાજન)નો સમાવેશ થાય છે. જેમાં આ ત્રણેય આરોપીએ એકબીજાને મદદગારી કરી, પકડાઇ ગયા હતા. રાજકોટ એસીબી એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહીલના સુપરવિઝન હેઠળ મોરબી એસીબીના પીઆઇ પી.એ. દેકાવાડીયા અને સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.