સિકકા પાલિકાની ચુંટણીના મનદુ:ખમાં ૩ વ્યકિત પર હુમલો
જામનગર
સિકકા નગરપાલિકાની ચુંટણીમાં અગાઉ ઉમેદવારી પત્ર ભરવા બાબતે ઝઘડો થયો હતો જે અદાવત રાખીને ૩ વ્યકિત પર હથિયારોથી હુમલો કરી ઇજા પહોચાડયાની તેમજ બલેનો કારમાં નુકશાન કર્યાની મુંગણી ગામના પાંચ શખ્સો સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે જેના આધારે સિકકા પોલીસે તપાસ હાથ ધરી છે.
સિકકાના રાધાસ્વામી સોસાયટી ખાતે રહેતા અભ્યાસ કરતા તુષાર હસમુખભાઇ પરમાર (ઉ.વ.૨૦) નામના યુવાનની માતા બીનાબેને સિકકા નગરપાલીકાની ચુંટણીમાં ઉમેદવારી પત્રક ભરેલ હતું જે આરોપી મુકેશને ગમતુ ન હોય જે બાબતે ફરીયાદીના પિતા સાથે બોલાચાલી કરેલ હોય અને ગયા મહિને ઝઘડો કર્યો હતો. જેનો ખાર રાખી ગઇકાલે આરોપીઓ એક સંપ થઇ ગેરકાયદે મંડળી રચી નંબર પ્લેટ વીનાની બ્લાઝા કારમાં હથિયારો ધારણ કરીને ધસી આવ્યા હતા.
દરમ્યાનમાં આરોપીઓએ પાઇપ-ધોકા વડે હુમલો કર્યો હતો જેમાં ફરીયાદીને માથાના અને ગરદનના ભાગે ઇજા પહોચાડેલ, સાહેદને હાથની કલાઇ પાસે ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી જયારે એક આરોપીએ છરી વડે ફરીયાદીના ભાઇને ગાલના ભાગે ઇજા પહોચાડી અપશબ્દો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ ફરીયાદીની બલેનો કારનો પાછળનો કાંચ ધોકા વડે તોડી નાશી ગયા હતા.
તુષારભાઇ પરમાર દ્વારા સિકકા પોલીસ સ્ટેશનમાં મુંગણી ગામમાં રહેતા ભરત મેહુલ પરમાર, કરણ તુલશી પરમાર, મુકેશ મંગા પરમાર, અર્જુન તુલશી પરમાર અને ભરત ઉર્ફે ટકો પરમારની વિરુઘ્ધ જુદી જુદી કલમો મુજબ ફરીયાદ કરી હતી જેની તપાસ સિકકા પોલીસ ચલાવી રહી છે.