જામનગર: પીઠડ ગામે ગલૂડિયાને લઈ જવાના મામલે મહિલા સહિત ત્રણને માર માર્યો
ખાર રાખીને છ શખ્સોએ કરી બબાલ: મામલો પોલીસમાં પહોચ્યો
જોડીયા તાલુકાના પીઠડ ગામે ગલૂડિયાને લઈ થયેલી જૂની અદાવતના કારણે એક મહિલાના પરિવાર પર હુમલો કરી મારામારી, ગાળાગાળી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના આરોપસર છ શખ્સો સામે જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ પીઠડ ગામે રહેતી સલમાબેન ફૈજાનભાઈ જુમાણીના ભાઈ મજીદના પુત્ર રેહાન દ્વારા અગાઉ આરોપી રસીકભાઈ રામભાઈ સોઢીયાની વાડીમાંથી એક ગલૂડિયું લાવવામાં આવ્યું હતું. આ બાબતનું મનદુ:ખ રાખી રસીકભાઈ સોઢીયા તથા તેમના ભાઈઓ અશોકભાઈ અને ચેતનભાઈ ફરિયાદીના ઘરે પહોંચી ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ફરિયાદ મુજબ ત્યારબાદ અંકિતભાઈ બાબુભાઈ સોઢીયા, અર્જુનભાઈ રસીકભાઈ સોઢીયા અને જયદીપભાઈ અશોકભાઈ સોઢીયા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તમામ આરોપીઓએ મળીને ફરિયાદી તથા તેમના પરિવાર સાથે મારામારી કરી હતી. રસીકભાઈએ ફરિયાદીને છાતીના ભાગે લાત મારી હતી, જ્યારે ચેતનભાઈએ લોખંડના પાઈપ વડે પેટના ભાગે ઘા મારી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત ફરિયાદીના માતા રોશનબેનને ઝાપટ મારી તેમજ માતા અને ભાભી શેહનાઝબેન સાથે પણ મારામારી કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ બનાવ અંગે જોડીયા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫(૧) હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.