જામનગર: ધ્રોલમાં લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં પિતા-પુત્ર સહિત ત્રણ જેલ હવાલે
પોલીસ દ્વારા વધુ દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા સહિતની તપાસ
ધ્રોલમાં આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની માલિકીની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો કરી મિલકત પચાવી પાડવા અંગેના પ્રકરણમાં લેન્ડગ્રેબીંગ હેઠળ ફરીયાદ દાખલ થયા બાદ ૩ શખ્સોને પકડીને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા.
ધ્રોલના વર્ધમાન સ્વસ્તીક રેસીડેન્સી, ભવ્ય ગ્રીન પાસે રહેતા ફરિયાદી વિશ્વાસભાઈ યોગેશકુમાર મહેતા, ટ્રસ્ટી, જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટ, ધ્રોલ દ્વારા આપવામાં આવેલી રજૂઆત મુજબ ધ્રોલ ગામમાં પંચવટી સોસાયટી સામે આવેલી ટ્રસ્ટની સીટી સર્વે નં. ૩૮૬૫ ધરાવતી કુલ ૪૭૩૧.૯૩ ચોરસ મીટર જમીન ટ્રસ્ટની માલિકીની છે. દરમ્યાનમાં આ મિલકત પચાવી પાડવાનો કારસો થયો હોવાનું જાણમાં આવ્યુ હતું.
છેલ્લા ઘણા વર્ષોમાં લાલજીભાઈ કારાભાઇ પઢીયાર તથા તેમના પરિવારજનો ગોવિંદભાઈ લાલજીભાઈ પઢીયાર અને કાનજીભાઈ લાલજીભાઈ પઢીયારે મળીને આશરે ૫૦૦૦ થી ૭૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં નવા બાંધકામો ઊભા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેમાં પાંચથી સાત રૂમ, બેઠક વ્યવસ્થા તેમજ ફળઝાડનું વાવેતર સહિતનો વિકાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ બાંધકામ ટ્રસ્ટની મંજૂરી તેમજ સ્થાનિક સત્તાધિકારીઓની જરૂરી પરવાનગી વિના કરવામાં આવ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. તેમજ આરોપી ખોટી ફરીયાદો કરીને હેરાનગતી કરવા અંગે પણ દાંટી મારતા હોય આ પ્રકારની ફરીયાદ દાખલ થઇ હતી.
ટ્રસ્ટના જણાવ્યા અનુસાર આશરે ૨ કરોડથી વધુ બજાર કિંમત ધરાવતી આ મિલકત ગેરકાયદે રીતે પચાવી પાડી તેનો ઉપયોગ અને કબજો ચાલુ રાખવામાં આવ્યો છે. દરમ્યાનમાં ઉપરોકત પિતા પુત્ર સહિત ત્રણેય સામે ધ્રોલ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ કરીને ત્રણેયની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. આ પ્રકરણમાં પોલીસ દ્વારા વધુ પુરાવા એકત્ર કરવા તપાસ લંબાવી છે.