જામનગરમાં ૩૨૩ વર્ષ જૂની જલાની જારની ગરબીમાં પરંપરાગત ઈશ્ર્વર વિવાહ યોજાયા
ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર મોનિકાબેન વ્યાસ સહિતના પદાધિકારીઓ તેમજ ડીસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંકના ચેરમેન જીતુભાઇ લાલ રહ્યા ઉપસ્થિત
જામનગર શહેરની ૩૨૩ વર્ષ જૂની પ્રાચીન જલાની જારની ગરબીમાં નવરાત્રિના સાતમા નોરતે પરંપરાગત ઈશ્વર વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સાડા બાર વાગ્યે યોજાયેલા આ ધાર્મિક પ્રસંગમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને વર્ષો જૂની પરંપરાના સાક્ષી બન્યા હતા.
જામનગરની જલાની જારની ગરબી આજે પણ પોતાની આગવી ઓળખ અને પ્રાચીન પરંપરાને જાળવી રાખી છે. આધુનિકતાના યુગમાં પણ આ ગરબીમાં લાઉડસ્પીકર કે સંગીતનાં અન્ય વાદ્યોનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર નોબતના તાલે પુરુષો પરંપરાગત લાલ, પીળા અને કેસરી રંગના અંબોટિયાં પહેરીને માતાજીના ગરબા રમે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા જામનગરની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતનું આગવું પ્રતીક બની રહી છે.
નવરાત્રિના સાતમા નોરતે રાત્રિના સાડા બાર વાગ્યે આ ગરબીમાં આદ્ય કવિ દેવીદાસ રચિત ઈશ્વર વિવાહનું ગાન કરવામાં આવ્યું હતું. ઈશ્વર વિવાહની શરૂઆત થયા બાદ કોઈપણ પ્રકારના વિરામ વિના આશરે સાડા ત્રણ થી ચાર કલાક સુધી સતત ગાન અને ગરબાની પરંપરા નિભાવવામાં આવે છે. ભક્તિભાવ અને પરંપરાગત રીતરિવાજો સાથે યોજાતા આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ધાર્મિક રંગે રંગાઈ ગયું હતું.
આ પ્રસંગે જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહાનગરપાલિકાનાં મેયર મોનિકાબેન વ્યાસ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, ભાજપનાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, જામનગર ડિસ્ટ્રિક્ટ કોપ. બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ, સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલસિંહ ડોડીયા,સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમ, આધુનિકતાના પ્રભાવથી દૂર રહીને ૩૨૩ વર્ષથી જળવાઈ રહેલી જલાની જારની ગરબીની પરંપરાએ ફરી એક વખત જામનગરની ધાર્મિક આસ્થા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application