યાત્રાધામ દ્વારકામાં વેકેશન તેમજ અધિક માસ નિમિતે પ્રવાસીઓનું ઘોડાપૂર
તંત્રના પાંગળા પ્લાનિંગ સામે ટ્રાફિક વ્યવસ્થા ધ્વસ્ત
કલાકો સુધી રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો: લાખો પ્રવાસીઓની ભીડ વચ્ચે ટ્રાફીક વ્યવસ્થા રામ ભરોશે: અણધડ વહીવટ સામે નગરજનોમાં રોષ: તંત્રની ઘોર બેદરકારીના કારણે અંતિમ યાત્રા રઝળી
દેવભૂમિ દ્વારકામાં વેકેશન અને પવિત્ર અધિક માસના કારણે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યું છે, જેના કારણે સમગ્ર પંથકની ટ્રાફિક વ્યવસ્થા સદંતર ખોરવાઈ ગઈ છે. દ્વારકાધીશ જગત મંદિર ઉપરાંત બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, રુકમણી મંદિર, શિવરાજપુર બીચ, નવનિર્મિત સુદર્શન સેતુ, મોગલ ધામ, હનુમાન દાંડી અને મોમાઈ બીચ જેવા ધાર્મિક તથા પ્રવાસન સ્થળોએ દિવસભર યાત્રાળુઓ અને પ્રવાસીઓનો અસાધારણ પ્રવાહ નોંધાયો છે. ખાસ કરીને શિવરાજપુર બીચ અને સુદર્શન સેતુ પર યુવાનો અને પરિવાર સાથે આવેલા સહેલાણીઓની ભારે ભીડ ઉમટી પડી છે, જેના પગલે બેટ દ્વારકા જવા માટે ઓખા તરફ જતા માર્ગો પર વાહનોની કિલોમીટરો લાંબી કતારો સર્જાઈ છે. બીજી તરફ, નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભોળાનાથના દર્શન કરવા માટે પણ શ્રદ્ધાળુઓને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવાની નોબત આવી છે, જે તંત્રના આગોતરા આયોજનના અભાવની ચાડી ખાય છે.
પ્રવાસીઓની આ અસાધારણ સંખ્યા સામે વહીવટી તંત્રનું ટ્રાફિક મેનેજમેન્ટ સાવ પાંગળું સાબિત થયું છે. શહેરમાં પ્રવેશતા તમામ મુખ્ય હાઈવે માર્ગો સહિત ખોડિયાર મંદિર, કાનદાસ બાપુ આશ્રમ, ચરકલા ફાટક, ઈસ્કોન ગેટ, રબારી ગેટ અને બસ સ્ટેશન વિસ્તાર સુધી વાહનોની મસમોટી લાઈનો લાગી ગઈ છે. અનેક મુખ્ય માર્ગો પર વાહનો કલાકો સુધી કીડીવેગે આગળ વધતાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ભારે પરેશાન બન્યા છે. હાઈવે તો ઠીક, પરંતુ શહેરના આંતરિક માર્ગો અને સાંકડી ગલીઓમાં પણ ભારે ટ્રાફિક જામ થતાં સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓનું જીવવું દુષ્કર બન્યું છે. ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ, હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો રસ્તા પર સતત દોડધામ કરી રહ્યા હોવા છતાં, વાહનોના પ્રચંડ દબાણ સામે પ્રશાસનની આ અપૂરતી વ્યવસ્થા અને નબળું પ્લાનિંગ સદંતર નિષ્ફળ સાબિત થયા છે.
યાત્રાધામ દ્વારકામાં વેકેશન તેમજ અધિક પુરુસોતમ માસ નિમિતે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના શરણમાં શીશ જુકાવવા આવી રહ્યા છે. આ કોઇ નવી કે અજાણી બાબત નથી દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કાળીયા ઠાકોરના દર્શન કરવા તેમજ નાગેશ્ર્વર ભોળાનાથ પાસે પોતાની મનોકામના વ્યકત કરવા તદુપરાંત બેટ દ્વારકા સુદર્શન સેતુ, શિવરાજપુર બીચ સહિતના પ્રવાસન સ્થળે આવી રહ્યા છે. તે ઘ્યાને લઇ વહીવટી તંત્ર, જીલ્લા કલેકટર, ટ્રાફીક ટીમ, જીલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ દ્વારા અગાઉથી કોઇ પણ પ્રકારનું પ્લાનિંગ કે વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેના કારણે હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દ્વારકાની અણધડ વ્યવસ્થાનો સામનો કરી રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે નગરજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
આ અંધાધૂંધી વચ્ચે બે દિવસ પહેલા જ તંત્રની સંવેદનહીનતા અને લાપરવાહીનો એક અતિ શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. દ્વારકાના એક સ્થાનિક પરિવારમાં બનેલી દુ:ખદ ઘટના બાદ, સ્નેહીજનો મૃતકની અંતિમ યાત્રા લઈને બસ મારફતે સ્મશાન તરફ જઈ રહ્યા હતા. પરંતુ કથળેલી ટ્રાફિક વ્યવસ્થાના કારણે આ અંતિમ યાત્રા કલાકો સુધી રસ્તા પર જ ફસાઈ રહી હતી. અંતે, કોઈ રસ્તો ન દેખાતા ભારે હૈયે સગા-સંબંધીઓ ન છૂટકે બસમાંથી નીચે ઉતર્યા હતા અને મૃતકની અર્થી (ઠાઠડી) ને કાંધ પર ઉઠાવીને રસ્તા પર ચાલીને સ્મશાન જવા મજબૂર બન્યા હતા.
યાત્રાધામ દ્વારકા જેવા પવિત્ર સ્થળે માણસની અંતિમ સફરને પણ રઝળાવતી આ ઘટના વહીવટી તંત્ર માટે અતિશય કલંકજનક અને શરમજનક બાબત છે. તંત્ર સારી રીતે જાણતું હતું કે વેકેશન અને અધિક માસમાં લાખો લોકો આવશે, છતાં કોઈ જ નક્કર એક્શન પ્લાન બનાવવામાં ન આવ્યો. જીવતા લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલું તંત્ર હવે મૃતકની ગરિમા જાળવવામાં પણ નાકામ રહ્યું છે, જેને લઈને સમગ્ર પંથકની જનતામાં પ્રશાસન સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.પ્રવાસીઓ તથા નગરજનો દ્વારા ટ્રાફીક સમસ્યાનું નિરાકરણ કરવા માંગ ઉઠી રહી છે.