BREAKING NEWS

જામનગરમાં વધુ પાંચ બોગસ બેન્ક ખાતામાં લાખોની હેરફેર

  • December 11, 2025 06:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજયમાં બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ઓપરેશન મ્યુલ હન્ટની ત૫ાસનો રેલો જામનગર સુધી લંબાયો છે, બે શખ્સ સામે ગઇકાલે એક ફરીયાદ થયા બાદ આ અંગેની તપાસમાં વધુ કેટલાક ખાતાઓમાં ગોલમાલ થયાનું સામે આવ્યું છે અને વધુ પાંચ બેન્ક ખાતાઓ ઘ્યાન પર આવતા કુલ ૧૨ શખ્સો સામે પાંચ જુદી જુદી પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે જેમાં કુલ ૨૮.૧૬ લાખના ટ્રાન્જેકશન થકી હેરફેર કરવામાં આવી છે. આ ફરીયાદોના આધારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ આદર્યો છે, એસબીઆઇ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, નવાનગર કો.ઓપ. દી. પ્લોટ શાખામાં ખાતા ખોલાવીને કમિશન મેળવવાની લાલચે ચિટર લોકોને આવા ખતા ઓપરેટ કરવાનું સોપી દેવામાં આવે છે.


રાજય સરકાર દ્વારા અમુક બેન્ક ખાતાધારકો દ્વારા કમિશન મેળવવા એકાઉન્ટ કીટ આપીને તેમાં ગેરકાયદે હેરાફેરી થતી હોવાનું ઘ્યાન પર આવતા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત રાજયભરમાં તપાસ આદરવામાં આવી રહી છે, જે અંતર્ગત જામનગર ખાતે તપાસ દરમ્યાન આ પ્રકારના બેન્ક ખાતાઓમાં લાખોની હેરફેરનો મામલો સામે આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


આ અંગેની ફરીયાદોની વિગત જોઇએ તો આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી સમાન ઇરાદો પાર પાડવા માટે અને લોકો સાથે ઇન્ટરનેટના માઘ્યમથી ઠગાઇ કરવા, ગેરકાયદે નાણાની હેરફેર કરવા પોતાને બેન્ક એકાઉન્ટ કીટ આપી એ બાબતે દરેક બેન્ક એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમિશનો મેળવી એકબીજાને મદદગારી કરીને પોતાના અંગત ઉપયોગ માટે નાણાં મેળવી આશરે ૧૦.૪૯ લાખ જેટલી રકમના અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન એકાઉન્ટમાં કરાવી ચોરીના માલવાળા ગેરકાયદે નાણાને સગેવગે લેયરીંગ ટ્રાન્સફર કરીને ગુનો કર્યો હતો. આથી સીટી-એ ડીવીઝનના હેડ કોન્સ. પ્રદિપસિંહ જાડેજા જાતે ફરીયાદી બન્યા છે અને તેમણે સીટી-એમાં ન્યુ હર્ષદમીલની ચાલી શેરી નં. ૨માં રહેતા એકાઉન્ટધારક નિરજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ તથા એકાઉન્ટ ખોલાવનાર ધાર્મિક સુનિલ શાહની વિરુઘ્ધ બીએનએસ ૨૦૨૩ની કલમ ૩૧૭(૨), ૬૧(૨) મુજબ ફરીયાદ નોંધાવવામાં આવી છે. 


અન્ય એક ફરીયાદની વિગત જોઇએ તો આરોપીઓએ પુર્વયોજીત કાવતરૂ રચી ઠગાઇ કરવા નાણાંની હેરફેર માટે બેન્ક એકાઉન્ટ કીટ આપી કમિશન મેળવી આશરે ૩.૬૭.૩૩૭ જેટલી રકમના ટ્રાન્જેકશન બેન્ક એકાઉન્ટમાં કરાવી ગેરકાયદે નાણાને સગેવગે કરી ચોરીના માલની હેરફેરનો ગુનો કર્યો હતો. આથી પ્રદિપસિંહ દ્વારા વધુ એક ફરીયાદ સીટી-એમાં ભાનુશાળી વાડ ટીંબાફળી ખાતે રહેતા એકાઉન્ટધારકમ સરફરાઝખાન મહોબતખાન પઠાણ તથા એકાઉન્ટ વપરાશ કરતા જામનગરના સાહીદ અસલમ કુરેશી અને જામનગરના સુલતાન અલુરા આરબ આ ત્રણેયની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે.


વધુ એક ફરીયાદ મુજબ આરોપીઓએ કાવતરૂ રચી ગેરકાયદે નાણાંની હેરફેર કરવા માટે કમિશન મેળવવા એકાઉન્ટ કીટ આપી એકબીજાને મદદગારી કરી અંગત ઉપયોગ માટે નાણાં મેળવી આશરે ૩.૬૦ લાખ જેટલી રકમના ગેરકાયદે ટ્રાન્જેકશન પોતાના બેન્ક એકાઉન્ટમાં કરાવી હેરફેર કરાવી હતી. આ અંગે સીટી-બી ડીવીઝનના હેડ કોન્સ સોયેબભાઇ દ્વારા જાતે ફરીયાદી બની રામેશ્ર્વરનગરના ધવલ અશ્ર્વીન નીળીયા, રામેશ્ર્વરનગર માટેલચોકના હર્ષીલ રમેશ મુંજપરાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. 


આ ઉપરાંત હેડ કોન્સ સોયબભાઇ દ્વારા વધુ એક ફરીયાદ સીટી-બીમાં રામેશ્ર્વરનગર નિર્મળનગરમાં રહેતા દિલીપસિંહ દોલુભા વાળા એસબીઆઇ ગુલાબનગર શાખાના ખાતાધારક તથા વિનાયકપાર્કમાં રહેતા પુર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજા તેમજ કિશાનચોક સુમરાચાલીમાં રહેતા ઇમરાન ખફી આ ત્રણની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે તેમા જણાવ્યુ છે કે આરોપીઓએ કાવતરૂ રચી ઇન્ટરનેટના માઘ્યમથી ઠગાઇ કરવા પોતાની બેન્ક એકાઉન્ટ કીટ આપી એકાઉન્ટ દીઠ જુદી જુદી રકમના કમિશનો મેળવી આશરે ૩.૮૦ લાખ જેટલી રકમના અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન કરાવી ચોરીના માલવાળા નાણાંનો હેરફેર કર્યો હતો. 


વધુ એક ફરીયાદની વિગત ઉનસાર આરોપીઓ દ્વારા ઉપરોકત વિગત અનુસાર ગેરકાયદે નાણાની હેરફેર કરવા માટે પ્રશાંતે પોતાના બેન્ક એકાઉન્ટના નંબર ભાવેશને આપી તે ખાતામાં આશરે ૬.૬૦ લાખ પોતાના અંગત ઉપયોગ માટે મેળવી ગેરકાયદે ટ્રાન્જેકશન મારફત ચોરીના માલની હેરફેરનો ગુનો કર્યો હતો. આ અંગે સીટી-બી ડીવીઝનમાં ગુલાબનગરની દયાનંદ સોસાયટીમાં રહેતા પ્રશાંત દિપક ચૌહાણ અને ધુંવાવ ગામના ભાવેશ ગોપાલ પરમારની વિરુઘ્ધ ફરીયાાદ નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application