જામનગરના ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન વળતરમાં મળશે મોટો લાભ
કલેક્ટર પી.બી.પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલ માર્કેટ રેટ કમિટી દ્વારા બજારભાવ આધારિત દર નક્કી કરાયા
જંત્રીની સરખામણીએ ૩૦૦ થી ૬૦૦ ગણું વધુ વળતર મળશે; કાનવીરડીના ખાતેદારને રૂ. ૪.૩૭ લાખના સ્થાને હવે રૂ. ૨૪.૩૩ લાખનું વળતર મળવાપાત્ર થશે
જામનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પસાર થતી પાવર ટ્રાન્સમિશન લાઈનોના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને જંત્રી આધારિત વળતર ચૂકવવામાં આવતાં ઓછું વળતર મળતું હોવાની રજૂઆતો ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. ખેડૂતોના હિતને ધ્યાન માં રાખીને રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા તા. ૦૪/૦૭/૨૦૨૬ ના રોજ નવી બજાર કિંમત આધારિત વળતર ચૂકવણી અંગેની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ નવી જોગવાઈ મુજબ, ટાવર વિસ્તાર ઉપરાંત ૧ મીટર વધારાની જમીન ગણીને કુલ જમીન માટે જમીનના બજાર ભાવના ૨ ગણી રકમ ખેડૂતને વળતર પેટે આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને પણ આ નવી વળતર નીતિનો સીધો લાભ મળે તે હેતુથી તા. ૨૪/૦૮/૨૦૨૬ ના રોજ લાલપુર તાલુકાના કાનવીરડી ગામના અલગ-અલગ સર્વે નંબરો માટે માર્કેટ રેટ કમિટીની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી.
બેઠકમાં સરકારના વેલ્યુઅર, ખેડૂતના વેલ્યુઅર અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના વેલ્યુઅર દ્વારા રજૂ કરાયેલા વેલ્યુએશનમાંથી લોટરી સિસ્ટમ દ્વારા ખેડૂત તથા કંપનીના વેલ્યુઅર મારફત નક્કી થયેલા દરને ધ્યાને લઈ જમીનની યોગ્ય બજાર કિંમત આખરી કરવામાં આવી હતી.
આ નવી પારદર્શક પદ્ધતિના અમલથી ખેડૂતોને અગાઉની જંત્રી આધારિત જોગવાઈઓ કરતા અંદાજે ૩૦૦ થી ૬૦૦ ગણું વધુ વળતર પ્રાપ્ત થશે. દાખલા તરીકે, કાનવીરડી ગામના સર્વે નંબર ૧૦૯ માં વર્ષ ૨૦૧૧ ની જંત્રી મુજબ પ્રતિ ચોરસ મીટરના માત્ર રૂા. ૪૩ ના ભાવથી અગાઉ ખાતેદારને રૂ. ૪,૩૭,૬૯૯/- નું વળતર મળવાપાત્ર થતું હતું. તેની સામે આ માર્કેટ રેટ કમિટીની બેઠકમાં પ્રતિ ચોરસ મીટરના રૂ. ૮૮૫ મંજૂર કરવામાં આવતા, હવે આ જ ખાતેદારને બજાર ભાવ મુજબ રૂ. ૨૪,૩૩,૩૪૮/- નું માતબર વળતર ચૂકવવામાં આવશે.
આ બેઠકમાં જામનગર કલેક્ટર સહિત જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી, ખેડૂતોના અધિકૃત પ્રતિનિધિ તેમજ ટ્રાન્સમિશન કંપનીના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application