સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬
આઈ.ટી.આઈ. જામનગર ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાન યોજાયું
પર્યાવરણ જતન અને કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે ૨૦૦થી વધુ રોપા વાવી સમગ્ર સ્ટાફ દ્વારા કરાયું શ્રમદાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર સેવાકાર્યના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ પખવાડિયા અંતર્ગત આઈ.ટી.આઈ. જામનગર ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના આચાર્યશ્રી, સુપરવાઈઝરશ્રીઓ તેમજ સમગ્ર સ્ટાફગણના સહયોગથી કેમ્પસ પરિસરમાં આશરે ૨૦૦ જેટલાં વિવિધ પ્રજાતિના વૃક્ષોનું ઉત્સાહભેર વાવેતર કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણની સાથે સાથે સંસ્થાના સમગ્ર કમ્પાઉન્ડમાં પથરાયેલા પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય કચરાના યોગ્ય નિકાલ અર્થે સમગ્ર સ્ટાફ દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું હતું અને આઈ.ટી.આઈ. કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો દ્રઢ સંકલ્પ લેવાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના આચાર્યશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીના પર્યાવરણ જતનના સંદેશને સાકાર કરવા અને આવનારી પેઢીને હરિયાળું તેમજ સ્વસ્થ વાતાવરણ ભેટ આપવા માટે દરેક નાગરિકે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવું જોઈએ. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આઈ.ટી.આઈ. જામનગરના સમગ્ર સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.