દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરાશે
તા. ૧૩ નવેમ્બરે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના આયોજન અંગે ખંભાળિયા ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
સમગ્ર રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી તા.૧૩ નવેમ્બરના રોજ થનાર છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી માટેના આયોજનની બેઠક ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની ઉજવણી તા.૧૩ નવેમ્બરના રોજ સવારે ૧૧ વાગ્યે ભાણવડ તાલુકાના પ્રાથમિક શાળા મોખાણા ખાતે સૂચિત છે.
આ ઉજવણીમાં પ્રભાત ફેરી, આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ, શપથગ્રહણ સહિત વગેરે પ્રવૃત્તિઓ કરાશે. આદિજાતિમાંથી આવતાં રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓ, પ્રગતીશીલ ખેડુતો વગેરેનું સન્માન કરાશે. વધુમાં સેવા સેતુ અંતર્ગત ગ્રામજનો વિવિધ સરકારી સેવાઓનો લાભ કાર્યક્રમ સ્થળેથી મેળવી શકશે. જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી અગાઊ શાળાઓ, કોલેજોમાં રમતગમત, ચિત્ર, વક્તૃત્વ સ્પર્ધાઓ દ્વારા ભગવાન બિરસા મુંડાના જીવન અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવશે.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હેતલ જોશી, પ્રાંત અધિકારી સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.