જોડિયા તાલુકામાં કેશિયા ગામના પાટિયા પાસે પોલીસે ૪૫ ભેંસ વર્ગનાં પશુઓને ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવી રહ્યાં હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી હતી દરમ્યાન ટ્રક નીકળ્યો હતો અને પોલીસને જોઇ ડ્રાઇવર કિલનર ટ્રક મુકીને નાશી ગયા હતા પોલીસ દ્વારા ૪૫ જેટલા પશુઓને છોડાવીને પાંજરાપોળ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી આ અંગે પ્રશુ પ્રત્યે ઘાતકીપણા મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જોડિયા પોલીસના કોન્સ્ટેબલ નિલેશભાઈ બાંભવાની ફરિયાદ મુજબ તા. ૫ નવેમ્બરના વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં નેશનલ હાઈવે પર કેશિયા ગામના પાટિયા પાસે જીજે-૧૦-ટીવી-૬૦૧૨ નંબરનો ટાટા ટ્રક પસાર થતો હતો. જેમાં કુલ ૪૫ ભેંસ વર્ગનાં પાડાઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવામાં આવી રહ્યાં છે જેના આધારે જોડિયા પોલીસે પાટીયા પાસે વોચ ગોઠવી હતી દરમ્યાન પોલીસને જોઇને ટ્રક મુકી ચાલક અને કિલનર રફુચકકર થઇ ગયા હતા.
પોલીસે ટ્રકની તલાશી લેતા ટ્રકમાં પશુઓને હલનચલન કરવા માટે પૂરતી જગ્યા આપવામાં આવી નહોતી તેમજ ઘાસચારા, નીરણ કે પાણીની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી. પશુઓને દુ:ખ અને પીડા થાય તેવી રીતે ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યાં હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે પશુ ક્રૂરતા નિવારણ ધારા હેઠળ ટ્રકચાલક, ક્લીનર તથા તપાસમાં ખુલે તેવા અન્ય શખ્સો સામે ગુનો નોંધ્યો છે. બંને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.