દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં પ્રોહીબિશનના બે ગુન્હામાં નાસતો-ફરતો આરોપી ઝપટે ચડ્યો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશનના બે ગુન્હાઓમાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે.
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા અને એસ.વી. કાર્બરીયા સહિતની ટીમ નાસતા-ફરતા આરોપીઓને શોધવા માટે પેટ્રોલીંગ અને વર્કઆઉટમાં હતી.
દરમિયાન એ.એસ.આઇ. શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઇ બેરા અને કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, પ્રોહીબિશનના ગુન્હામાં વોન્ટેડ આરોપી મોડપર ગામમાં જેઠવા હોટલ પાસે ઊભો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડીને પાલાભાઇ વેજાભાઇ કોડીયાતર (ઉં.વ. ૨૮, ધંધો: માલધારી, રહે. હાલ જાંબુડીયા નેશ, મૂળ રહે. કિલેશ્વર નેશ, તા. ભાણવડ)ને ઝડપી લીધો હતો.
ઝડપાયેલ આરોપી સામે ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કાયદા હેઠળ બે અલગ-અલગ ગુન્હાઓ નોંધાયેલા હતા. એલસીબી ટીમે આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને ભાણવડ પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.