BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા: ભાણવડના ભવનેશ્વર ગામેથી દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા, એક ફરાર

  • July 16, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: ભાણવડના ભવનેશ્વર ગામેથી દેશી દારૂના જથ્થા સાથે બે પકડાયા, એક ફરાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા મથક હેઠળની લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનેશ્વર ગામના પાટીયા પાસેથી દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે, જ્યારે એક આરોપી ફરાર જાહેર થયો છે.

આ ગણનાપાત્ર કામગીરીની વિગત એવી છે કે, રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા પ્રોહીબિશન બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશ અન્વયે એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દેવમુરારી અને એમ.આર. સવસેટાની અલગ-અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. શક્તિસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઇ બેરા અને કોન્સ્ટેબલ મનહરસિંહ જાડેજાને સંયુક્તમાં એક ચોક્કસ બાતમી મળી હતી કે ભવનેશ્વર ગામના પાટીયાથી ગામ તરફ મોટરસાયકલ પર દેશી દારૂનો જથ્થો લાવીને અન્ય એક મોટરસાયકલ દ્વારા તેનું પાયલોટિંગ કરવામાં આવી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને રેઇડ કરતા ઘટનાસ્થળેથી બે આરોપીઓને દબોચી લીધા હતા.

પોલીસ ટીમે સ્થળ પરથી પકડાયેલા આરોપીઓ માંડાભાઇ કરમણભાઇ હુણ (ઉં.વ. ૨૨, ધંધો-મજુરી) અને અમરાભાઇ કરમણભાઇ હુણ (ઉં.વ. ૨૧), બંને રહેવાસી પાછતરડી, ને ઝડપી લીધા હતા. જ્યારે પોલીસને જોઈને ધામણીનેશ (તા. ભાણવડ) નો રહેવાસી રામાભાઇ ઉર્ફે રામુડી ભુરાભાઇ રબારી નામનો આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જેને પોલીસે ફરાર જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે. આ રેઇડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી ૧૫૦ લીટર દેશી દારૂ (કિંમત રૂપિયા ૩૦,૦૦૦), એક ટી.વી.એસ. રાઇડર મોટરસાયકલ (કિંમત રૂપિયા ૬૦,૦૦૦), એક હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિંમત રૂપિયા ૨૦,૦૦૦) તથા બે નંગ મોબાઇલ ફોન (કિંમત રૂપિયા ૧૦,૦૦૦) મળીને કુલ રૂપિયા ૧,૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ મામલે એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલાએ ફરિયાદ આપતા હેડ કોન્સ્ટેબલ વી.ડી. બેરાએ કાયદેસરની કાર્યવાહી કરીને ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. 

આ સફળ કામગીરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોષી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એમ.આર. સવસેટા, એસ.વી. કાંબલીયા તેમજ સ્ટાફના શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા, વેજાણંદભાઇ બેરા અને મનહરસિંહ જાડેજા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application