જામનગર: પંચેશ્ર્વર ટાવર પાસે વિદેશી દારૂ સાથે બે શખ્સ ગીરફતાર
નાની મોટી શરાબની ૯ બોટલ, વાહન મળી ૫૭ હજારનો મુદ્દામાલ કબજે : મોટી ખાવડીમાં સ્પા સેન્ટરમાંથી શરાબની બોટલ મળી : પવનચકકી પાસે બાટલી સાથે એકની અટક
જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પંચેશ્વર ટાવર પાસે જાહેર રોડ પરથી વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. મોટી ખાવડી પાસે આવેલ સ્પા સેન્ટરમાં દારૂની એક બોટલ સાથે મેનેજરને પકડી લેવાયો હતો, જયારે પવનચકકી પાસે દારૂની બોટલ સાથે એક શખ્સ ઝપટે ચડયો હતો.
જામનગરના પંચેશ્વર ટાવર પાસે જાહેર રોડ પર રાત્રીના સીટી-એ પોલીસે દરોડો પાડી અજયસિંહ મનુભા દેદા (ઉં.વ. ૩૨, રહે. ઈવા પાર્ક, પુજા એવન્યુ બી વીંગ, ધંધો ડ્રાઇવીંગ) અને દિવ્યરાજસિંહ નવનસિંહ પરમાર (ઉં.વ. ૩૦, રહે. રામેશ્વરનગર, ક્રિષ્ના પાર્ક ધંધો પ્રા. નોકરીજામનગર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસે બંને પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પાઈપર્સ ડીલક્સ બ્લેન્ડેડ સ્કોચ વ્હિસ્કીની કંપની સીલબંધ કાચની ૫ બોટલ, કિંમત ૭,૩૭૨ તેમજ ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હિસ્કીના પ્લાસ્ટિકના ૪ ચપલા, કિંમત ૪૦૦, મળી કુલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો.આ ઉપરાંત પોલીસે એક જ્યુપિટર મોટરસાઇકલ નં. જીજે૧૦ઇઇ-૦૩૧૦ જેની કિંમત ૪૦,૦૦૦ અને મોબાઇલ ફોન, કિંમત ૧૦,૦૦૦ સહિત કુલ ૫૭,૭૭૨નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી), ૯૮(૨) અને ૮૧ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓએ એકબીજાની મદદગારીથી ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાબતે તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત મુળ ગોધરાના સરસ્વતી સોસાયટીના વતની અને મોટી ખાવડી પાસે આવેલ રોઝલીના સ્પા સેન્ટરના મેનેજર તરૂણકુમાર કૌશિક મિસ્ત્રી (ઉ.વ.૩૯)ને મેઘપર પોલીસે દરોડા દરમ્યાન ઇંગ્લીશ દારૂની ૧ બોટલ સાથે દબોચી લીધો હતો. જયારે રણજીતસાગર રોડ, કનૈયા પાર્ક શેરી નં. ૩માં રહેતા સુભાષ ઉર્ફે શૈલેષ ભલા સોલંકી નામના શખ્સને ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે પવનચકકી રોડ પરથી પકડી લેવાયો હતો.