જામનગર: સીસીટીવી કેમેરામાં બે તસ્કરો કેદ : ૯૫ હજાર રોકડની ચોરી
નાનકપુરીની વિસ્તારમાં હોટલમાં ચોરીની સાથે તસ્કરોએ નાસ્તો પણ કર્યો
જામનગર શહેરના નાનકપુરી મેઇન રોડ પર સુરેશ હોટલમાં મોડીરાત્રે બે અજાણ્યા તસ્કરોએ શટરનું તાળું તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની આ ઘટનામાં કુલ ૯૫ હજારની રોકડ રકમની ચોરી થઈ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. ઘટનાની વધુ એક ચોંકાવનારી બાબત એ છે કે તસ્કરોએ ચોરી કરતાં પહેલાં દુકાનમાં નાસ્તો કરી ઠંડુ પીધુ હતું, આ અંગે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી કમલેશભાઈ વસંતભાઈ માખેજા, જે સુરેશ હોટલમાં ચા-નાસ્તા અને પાનમસાલાનો વ્યવસાય કરે છે, તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેઓ રાત્રે આશરે ૧:૦૦ વાગ્યે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે દુકાને પહોંચતા એક શટરનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને નજીકમાં તીકમ પડેલું હતું.
દુકાનની અંદર પ્રવેશીને તપાસ કરતાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો અને ટેબલના ખાનાં ખુલ્લાં હતાં. તપાસ દરમિયાન ટેબલના ખાનામાં રાખેલા રૂ. ૭ હજાર, પરચુરણના અંદાજે રૂ. ૨ હજાર, પાનમસાલાના રૂ. ૧- હજાર તેમજ દુકાનના મંદિરમાં રાખેલા અંદાજે રૂ. ૮ હજાર મળી કુલ રૂ. ૯૫ હજારની રોકડ રકમ ગાયબ હોવાનું બહાર આવ્યું હતું.
દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના દૃશ્યોમાં બે અજાણ્યા તસ્કરો સ્પષ્ટ રીતે જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. દૃશ્યો મુજબ બંને તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યા બાદ સૌપ્રથમ બિસ્કિટ, ચોકલેટ, વેફર, ઠંડા પીણાં અને ઠંડું પાણી લઈને આરામથી તેનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ દુકાનમાં રાખેલી રોકડ રકમ પર હાથ સાફ કરીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવીના દૃશ્યો કબજે લઈ અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ બનાવી છે.
આ અંગે કમલેશભાઈ માખેજાની ફરિયાદના આધારે સિટી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બે તસ્કરો સામે ઘરફોડ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.