BREAKING NEWS

જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

  • September 18, 2026 02:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

મધુવન સોસાયટીમાં પોલીસનું સર્ચ ઓપરેશન: મકાનમાંથી ૯૬ ખાલી બોટલો, ૨૭૦ ઢાંકણા અને સ્ટીકર મળ્યા : ૩ પરપ્રાંતીય સામે ફરીયાદ

જામનગર શહેરની મધુવન સોસાયટીમાં પોલીસે કરેલા સર્ચ દરમ્યાન ડુપ્લીકેટ દા‚ બનાવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે, રસાયણ, કલર અને એસેન્સના મિશ્રણથી ડુપ્લીકેટ દારૂ તૈયાર કરી તેનું વેચાણ કરવાની કથિત તૈયારીનો પોલીસ તપાસ દરમિયાન ખુલ્યુ છે, ૯૬ ખાલી બોટલો, બ્રાન્ડેડ ઢાંકણાઓ અને સ્ટીકર મળી આવ્યા હતા, આ મામલે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ૩ પરપ્રાંતીય શખ્સ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે અને આ અંગેની તપાસ એલસીબી ચલાવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં ભાવનગરના લઠ્ઠાકાંડના બનાવની ભારે ચર્ચા ચાલી રહી છે અને એ લઠ્ઠાકાંડ બાદ રાજયભરમાં દારૂના ધંધાર્થીઓ પર તવાઇ બોલાવવામાં આવી હતી અલગ અલગ સ્થળોએ તપાસ કરાઇ હતી દરમ્યાનમાં જામનગર શહેરમાં નકલી દારૂ બાબતના કાવતરાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થતા ચકચાર વ્યાપી છે.

જામનગર શહેરના મધુવન સોસાયટી, શેરી નંબર-૨, મકાન નંબર-૬માં રહેતો સમન્દરસિંગ ભરતસિંગ ખટાણા-ગુર્જર રહેણાંક મકાનમાં અંગ્રેજી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ તેમજ સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે સ્થળ પર દરોડો પાડ્યો હતો. 

તપાસ દરમિયાન મકાનના હોલમાંથી ડુપ્લીકેટ દારૂ ભરવા માટે ઉપયોગમાં લેવાતી આશરે ૭૫૦ મિલીની ખાલી પ્લાસ્ટિકની બોટલો નંગ-૯૬ મળી આવી હતી. આ ઉપરાંત બ્રાન્ડેડ દારૂની બોટલના ઢાંકણા નંગ-૨૭૦ મળી આવ્યા હતા. પોલીસને વધુમાં ૭૫૦ મિલીની બોટલ ઉપર લગાવવા માટેના અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર નંગ-૫૨ પણ મળી આવ્યા હતા. જાણવા જોગ અંગેની એક સંયુકત તપાસમાં દારૂ બનાવવા માટેના કાવતરાનો પર્દાફાશ થયો હતો.

દરમ્યાનમાં મુળ રાજસ્થાનના કરોલી જીલ્લાના ટોડાભીમ તાલુકાના મોહનપરાના વતની અને હાલ મધુવન સોસાયટી શેરી નં. ૨માં રહેતા સમંદરસિંગ ભરતસિંગ ખટાણા, રાજસ્થાનના વિષ્નુ ગુર્જર અને હાપા વેલનાથ સોસાયટીમાં રહેતા રિન્કુસીંગ પરશુરામસિંગ કુશવાહ અને તપાસમાં ખુલે તેની સામે સીટી-બી ડીવીઝનમાં પ્રોહી કલમ ૬૫-એફ, ૮૩, ૮૧ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૦, ૨૩૮, ૩૩૬(૨), ૩૩૬(૩) મુજબ ફરીયાદ નોંધવામાં આવી હતી.

આરોપી સમન્દરસિંગ અને વિષ્ણુએ ડુપ્લીકેટ દારૂ બનાવવા માટે ગુનાહીત કાવતરુ રચી તેના ભાગ‚પે કેમીકલ કલર, એસન્સ તેમજ પ્લાસ્ટીકની બોટલ અલગ અલગ સ્ટીકર, ઢાંકણા મંગાવી આ સાધનો પોતાના કબ્જામાં રાખી બોટલો પર લગાવવા માટેના ખોટા સ્ટીકરો બનાવી કેમીકલથી દારુ બનાવી તેનુ વેચાણ કરે અને સેવન કરવાથી કોઇ વ્યકિતનું મૃત્યુ નિપજી શકે તેવુ સંભવ હોવાનુ જાણવા છતા આ કૃત્ય કરેલ હોય અને આરોપી રિન્કુએ આ ડુપ્લીકેટ દારુ બનાવવા મંગાવેલ કેમીકલ (સ્પીરીટ) તેમજ ખાલી બોટલોનો નાશ કરી પુરાવાનો નાશ કરી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો.

જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈની અને સીટી ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઈ. વી.બી. ચૌધરી  અને તેઓની સમગ્ર ટીમ તેમજ સીટી બી. ડીવિઝનના પી.આઈ. એન.બી. ચૌહાણ અને પીએસઆઇ એમ. એચ. મહેતા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ આ ગુનાની તપાસ એલસીબી ચલાવી રહી છે.

નાશ કરેલ જગ્યાએ અવશેષોના નમૂના લેવાયા
રસાયણ તથા પ્લાસ્ટિકની બોટલોનો નાશ કરવામાં આવ્યો હોવાની હકીકત સામે આવ્યા બાદ પોલીસે બંને સ્થળે પંચનામું હાથ ધર્યું હતું. બે પંચોની હાજરી ઉપરાંત એફએસએલ અધિકારીને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી.

પ્લાસ્ટિકની બોટલો સળગાવી નાશ કરાયેલી જગ્યાએ તપાસ કરતાં બળેલા અવશેષો મળી આવ્યા હતા. તેના જરૂરી નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રસાયણ ગટરમાં ઢોળવામાં આવ્યું હોવાની જગ્યાએ ગટરમાંથી રસાયણ જેવી વાસ ધરાવતું પ્રવાહીનું સેમ્પલ  મળ્યું હતું. 

મહિનાઓ અગાઉ ડુપ્લીકેટ દારૂ બનાવવાનું નક્કી કર્યાનો ખુલાસો

પોલીસે સમન્દરસિંગ ખટાણા ગુર્જરની પૂછપરછ કરતાં એવી વિગત બહાર આવી હતી કે, આશરે ત્રણ મહિના અગાઉ તેના મિત્ર વિષ્ણુ ગુર્જર, જે રાજસ્થાનમાં રહે છે, તેની સાથે મળીને જામનગરમાં રસાયણનો ઉપયોગ કરી ડુપ્લીકેટ દારૂ બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે જરૂરી સામગ્રી એકત્ર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. પોલીસ તપાસ મુજબ, એક શખ્સે મુંબઇથી આશરે ૧૦૦૦ લીટર રસાયણ જામનગર મોકલાવ્યુ હતું. ઢાંકણા અને સ્ટીકર અલવરથી આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. એવી પણ વિગત જાણવા મળી છે કે પોલીસ કાર્યવાહી પહેલા જ રસાયણ ગટરમાં ઢોળીને નાશ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application