દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા હોસ્પિટલ, જામખંભાળિયાએ આરોગ્ય ક્ષેત્રે મેળવી અભૂતપૂર્વ સિદ્ધિ
રાષ્ટ્રીય ગુણવત્તાના ૯૩ ટકા સ્કોર સાથે NQAS, MusQan અને LaQshya – ત્રણ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રમાણપત્રો મેળવનારી ગુજરાતની પ્રથમ જિલ્લા હોસ્પિટલ
દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા હોસ્પિટલ, જામખંભાળિયાએ ભારત સરકારના સ્ટાન્ડર્ડ મુજબ ૯૩% સાથે NQAS, મુસ્કાન (MusQan) અને લક્ષ્ય (LaQshya) જેવા ત્રણ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કક્ષાએ માન્યતાઓ પ્રાપ્ત પ્રમાણપત્રો મેળવનાર અત્યારની ગુજરાતની પ્રથમ જિલ્લા હોસ્પિટલ બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે.
આ અંગે જિલ્લા હોસ્પિટલ, જામખંભાળિયાના સી.ડી.એમ.ઓ ડો.એલ.એન.કનારા જણાવ્યું કે, જિલ્લા હોસ્પિટલ, જામખંભાળિયાએ ૯૩ ટકા સાથે NQAS (નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ), MusQan તથા LaQshya પ્રમાણપત્ર પ્રાપ્ત થતા આપણા સૌ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડએ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર આરોગ્ય સંસ્થાઓ જેવી કે જિલ્લા હોસ્પિટલ, CHC, PHC, આયુષ્માન આરોગ્ય મંદિરમાં આરોગ્યની સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત પ્રાપ્ત કરવા માટેનો રાષ્ટ્રીય ગુણવત્તા માપદંડ છે. જ્યારે મુસ્કાન (MusQan)એ જન્મથી ૧૨ વર્ષ સુધીના બાળકો માટે સરકારી આરોગ્ય સંસ્થાઓમાં ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવાનો છે. ઉપરાંત, લક્ષ્ય (LaQshya) લેબર રૂમ ક્વોલિટી ઇમ્પ્રોવમેન્ટ ઈનિસિયેટીવનો મુખ્ય ઉદેશ્ય પ્રસૂતિ દરમ્યાન માતા અને નવજાત શિશુને ઉચ્ચ ગુણવતાની સારવાર તથા લેબર રૂમની ગુણવત્તા સુધારો કરવા માટેનો માપદંડ છે.
જિલ્લા હોસ્પિટલ જામખંભાળિયાએ કરેલ ઉત્કૃષ્ટ કામગીરી પરિણામે રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેના બદલ અધિકારીઓ તથા કર્મયોગીઓને જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના માર્ગદર્શિકા મુજબ દર્દીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ, સ્વચ્છતા, દર્દી પ્રત્યેનો સંવેદનશીલ વ્યવહાર, આધુનિક ટેક્નોલોજી આધારિત સેવાઓ અને સતત ગુણવત્તા સુધારણાના પ્રયત્નોના પરિણામે આ પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.