BREAKING NEWS

જામનગર : સિક્કામાં ગરબી જોઈને પરત ફરતા વાહન અકસ્માત : દંપતિ ખંડીત

  • October 19, 2026 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્કામાં ગરબી જોઈને પરત ફરતા વાહન અકસ્માત : દંપતિ ખંડીત


જામનગર
સિક્કામાં જી.ઈ.બી.ની ગરબી જોઈને સ્કૂટર પર પત્ની અને પુત્રી સાથે ઘરે પરત ફરી રહેલા યુવાનના સ્કૂટરને સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક ધસી આવેલી ત્રણ સવારીવાળી મોટરસાઇકલે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટરચાલક યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, અને દંપત્તિ ખંડિત થયું છે. અકસ્માતમાં યુવાનની પત્નીને પણ ઇજા થઈ હતી, જ્યારે તેમની પુત્રીનો આબાદ બચાવ થયો હતો.

આ બનાવ અંગે સિક્કામાં આંગણવાડી પાસે રહેતાં સેજલબેન ભાવપરી તેજપરી ગોસાઈ (ઉં.વ. ૩૦)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા. ૧૮ ઓક્ટોબરની રાત્રે તેઓ તેમના પતિ ભાવપરી અને પુત્રી સાથે જીજે-૧૦-ઈએલ-૧૩૮૫ નંબરના જ્યુપિટર સ્કૂટર પર જી.ઈ.બી.ની ગરબી જોવા ગયાં હતાં. ગરબી જોઈને રાત્રે આશરે એક વાગ્યે ઘરે પરત ફરતાં તળાવ સામેના માર્ગ પર પહોંચ્યા હતા, ત્યારે સામેથી જીજે-૧૦-ઈજી-૨૭૪૪ નંબરની મોટરસાઇકલ પર ત્રણ સવારીમાં આવતા ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી તેમના જયુપીટરને ટક્કર મારી હતી.

ટક્કર વાગતાં સ્કૂટર પર સવાર ત્રણેય નીચે પટકાયાં હતાં. સેજલબેનને જમણા પગમાં, હાથમાં અને માથાના ભાગે ઇજા થઈ હતી, જ્યારે તેમના પતિને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પતિને ખાનગી વાહનમાં જી.જી. હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. સેજલબેનને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. 

આ બનાવ અંગે સિક્કા પોલીસે મોટરસાઇકલ ચાલક સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તથા મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application