લોકોમાં ભયની લાગણી: વનવિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમમાં દીપડો દેખાયની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. વાડી વિસ્તારમાં દીપડાના આંટાફેરાનો વીડીયો વાયરલ થતાં દોડધામ મચી ગઇ છે. દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયની લાગણી ફેલાઇ છે. બનાવ અંગે વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જામનગર જિલ્લામાં સિંહ, દીપડાના આંટાફેરાના બનાવ વધી રહ્યા છે. આ સ્થિતિમાં કાલાવડ તાલુકાના માછરડા ગામની સીમમાં ગઇકાલે રાત્રીના દીપડો દેખાયાની ફરિયાદ ગ્રામજનોમાં ઉઠી છે. આટલું જ નહીં દીપડો વાડી વિસ્તારમાં આંટાફેરા કરતા હોવાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. અત્રે નોંધનીય છે કે, થોડા દીવસો પૂર્વે કાલાવડ પંથકમાં સિંહ દેખાયાના ફોટા વાયરલ થયા હતાં. પરંતુ વનવિભાગની તપાસમાં આ ફોટા એઆઇથી બનાવેલા નકલી ફોટા હોવાનું ખૂલ્યું હતું. ત્યારે કાલાવડ પંથકમાં હવે દીપડો દેખાતા આ બનાવ અંગે વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વનવિભાગના સ્ટાફે દીપડાના ફુટ માર્ક મેળવવા તથા ૫કડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.