દેવભૂમિ દ્વારકા: જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવના દર્શન કરતા રાજયસભાના સાંસદ
દેવભૂમિ દ્વારકા: જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવના દર્શન કરતા રાજયસભાના સાંસદ
September 08, 2026 11:58 AM
દેવભૂમિ દ્વારકા: જયોતિર્લિંગ નાગેશ્ર્વર મહાદેવના દર્શન કરતા રાજયસભાના સાંસદ
તારક મહેતાના ટપુડાએ પણ પુજન-અર્ચન કર્યા
શ્રાવણ માસ દરમિયાન દ્વારકા નજીક આવેલા પવિત્ર નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. બાર જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વ દરમિયાન દ્વારકા પંથકમાં ભક્તિમય માહોલ વચ્ચે જાણીતી હસ્તીઓએ પણ નાગેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જન્માષ્ટમીના પાવન દિવસે લોકપ્રિય ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુની ભૂમિકા ભજવી ચૂકેલા અભિનેતા ભવ્ય ગાંધી નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે પહોંચ્યા હતા અને ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જ્યારે નોમના દિવસે રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણજારીયા નાગેશ્વર મહાદેવના દર્શને પહોંચ્યા હતા તેમણે શ્રદ્ધાપૂર્વક ભગવાનના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. દર્શન બાદ તેઓ ભાવવિભોર બન્યા હતા. તેમણે ભગવાન નાગેશ્વર મહાદેવને પ્રાર્થના કરી કે સૌના જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે, સારો વરસાદ વરસે અને મનુષ્યો તેમજ પશુધનની મુશ્કેલીઓમાં ઘટાડો થાય.
જન્માષ્ટમી અને નોમના પર્વ દરમિયાન ભવ્ય ગાંધી તથા જીતેન્દ્રભાઈ કણજારીયાની નાગેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાતથી યાત્રાધામનું વાતાવરણ વધુ ભક્તિમય બન્યું હતું.