BREAKING NEWS

શ્રાવણના પ્રારંભે જામનગરને મેઘાનું ઝાપટારૂપી જલાભિષેક

  • August 13, 2026 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રાવણના પ્રારંભે જામનગરને મેઘાનું ઝાપટારૂપી જલાભિષેક

ભેજમાં ૮ ટકાનો વધારો: તાપમાનનો પારો ૩૧.૫ ડીગ્રી

જામનગર શહેર અને જિલ્લામાં અષાઢ મહિનામાં નહિંવત વરસાદ પડયો, જગતનો તાત તથા શહેરીજનો શ્રાવણ અને ભાદરવામાં સારા વરસાદની આશા રાખી રહ્યા છે. આજે ગુરૂવારે શ્રાવણના પ્રારંભે જ જામનગર શહેરને મેઘાનું ઝાપટારૂપી જલાભિષેક થયો હતો. ગત રાત્રીના વસઇ, લાખાબાવળ, સહિતના વિસ્તારોમાં ઝાપટા પડયા હતા. વરસાદી વાતાવરણને કારણે ભેજમાં ૮ ટકાનો વધારો નોંધાયો છે. અને તાપમાનનો પારો ૩૧.૫ ડીગ્રી નોંધાયો છે. 

કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે ગુ‚વારે મહતમ તાપમાન ૩૧.૫, લઘુતમ તાપમાન ૨૬ જયારે ભેજનું પ્રમાણ ૯૩ ટકા રહેવા પામ્યું છે. જયારે પવનની ગતિ ૨૦ થી ૨૫ની આસપાસ રહી છે. 

કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર બુધવાર મહતમ તાપમાન ૩૧.૪ ડીગ્રી,જયારે લઘુતમ તાપમાન ૨૬.૬, ભેજનું પ્રમાણ ૮૫ ટકા અને પવનની ગતિ ૨૫ થી ૩૦ રહી હતી. ગઇકાલ કરતા આજે ભેજના પ્રમાણમાં ૮ ટકાનો વધારો જોવા મળ્યો છે. 
​​​​​​​
સમગ્ર રાજયમાં કચ્છ અને હાલારમાં ચોમાસુ અડધુ પુર્ણ થઇ ગયુ હોવા છતાં અન્ય જિલ્લાની સરખામણીમાં વરસાદ નહિંવત નોંધાયો છે. જેને લીધે ખેડુતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડુતોનો પાક તથા ઢોર ઢાંખર માટે લીલા ચારાની સમસ્યા સર્જાઇ છે. હાલારમાં ખેડુતોની દશા પડયા પર પાટા જેવી થવા પામી છે. એક તરફ પાકનું વાવેતર કરી દીધુ છે અને વરસાદ ન હોવાના કારણે બિયારણ, ખાતરની સાથે પાક પણ નિષ્ફળ જવાની ભીતી સર્જાઇ છે. છતાં ખેડુતો શ્રાવણ અને ભાદરવામાં સારો વરસાદ પડે તેવી આશા સેવી રહ્યા છે. સમગ્ર હાલારની વાત કરીએ તો સૌથી ઓછો વરસાદ ઓખા મંડળમાં જામનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ મોટા ખડબામાં ફકત સવાઇંચ નોંધાયો છે જયારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ કાલાવડ તાલુકાના નવાગામમાં ૧૨ઇંચ વરસાદ પડયો છે.  વાતાવરણ મિશ્રિત હોવાને કારણે શહેર તથા જિલ્લામાં તાવ, ઉધરસ, શરદીના કેેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application