BREAKING NEWS

જામનગર શહેરમાં જરૂર પડયે પાણી વિતરણના સમયમાં કાપ મૂકાશે:કમિશ્ર્નર

  • September 23, 2026 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરમાં જરૂર પડયે પાણી વિતરણના સમયમાં કાપ મૂકાશે:કમિશ્ર્નર 

સંભવિત જળસંકટને પહોંચી વળવા પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને વેડફાટ અટકાવવા શહેરીજનોને અનુરોધ 

પાણીનો બિનજરૂરી બગાડ કરનારાઓને નોટીસ ફટકારી દંડ વસૂલવા સહીતની કાર્યવાહી કરવામાં આવશે 

જામનગરમાં અપૂરતા વરસાદના કારણે સંભવિત જળસંકટને પહોંચી વળવા પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને વેડફાટ અટકાવવા મ્યુનિસિપલ કમિશ્ર્નરે શહેરીજનોને ખાસ અનુરોધ કર્યો છે આટલું જ નહીં આગામી દીવસોમાં જરૂર પડયે પાણી વિતરણના સમયમાં કાપ પણ મૂકવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.તદઉપરાંત પાણીનો બિનજરૂરી બગાડ કરનારાઓને નોટીસ ફટકારી દંડ વસૂલવા સહીતની કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. 

 જામનગર મહાનગરપાલિકા ગઇકાલે સાંજે યોજાયેલી પત્રકાર પરિષદમાં કમિશ્ર્નર દીપેશ કેડીયાએ શહેરમાં પાણીની સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જામનગરમાં અપૂરતો વરસાદ પડયો છે. આથી હાલમાં શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠાલવી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ મુદે સરકારનો સહયોગ પણ મળી રહ્યો છે. આમ છતાં આગામી દીવસોમાં સંભવિત જળસંકટને પહોંચી વળવા માટે પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને વેડફાટ ન કરવા શહેરીજનોને ખાસ અનુરોધ કર્યો છે. આટલું જ નહીં આગામી દીવસોમાં નર્મદાના નીરમાં કોઇ કારણોસર વિક્ષેપ સર્જાય તો જરૂર પડયે શહેરમાં પાણી વિતરણના સમયમાં કાપ મૂકવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે  જણાવ્યું હતું કે, શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા કામગીરી કરવામાં આવી રહી છે.


​​​​​​​ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં પાણીના જથ્થા અને વિતરણને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે.હાલમાં શહેરને પાણી પુરૂ પાડતા રણજીતસાગર, ઉંડ-૧, સસોઇ ડેમમાં ઉપરવાસમાં વરસાદ ન થવાથી નવા પાણીની આવક થઇ નથી. આથી તમામ જળાશયોમાં પાણીનો નહીંવત જથ્થો છે. ત્યારે શહેરમાં એકાંતરા પાણી વિતરણમાં વિક્ષેપ ન પડે તે માટે સૌની યોજના હેઠળ ત્રણેય ડેમમાં દરરોજ ૧૦ થી ૧૨ એમસીએફટી પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.  ચાલુ વર્ષે અપૂરતો વરસાદ થયો હોય પાણીના વપરાશમાં કરકસર કરવા અને પાણીનો વેડફાટ ન થાય તેની તકેદારી રાખવા શહેરીજનોને અપીલ કરી છે. આટલું જ નહીં અન્યથા પાણીના બીનજરૂરી વેડફાટ બાબતે સ્કવોડ બનાવી નોટીસ ફટકારી દંડ સહીતની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. પત્રકાર પરિષદમાં ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા તથા સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application