જેતપુરના ભીડભંજન રોડ પર વહેલી સવારે ઝેરી કેમિકલયુક્ત પાણીથી અનેક લોકો ગુંગળાયા
જેતપુરના ભીડભંજન રોડ પર વહેલી સવારે ઝેરી કેમિકલયુક્ત પાણીથી અનેક લોકો ગુંગળાયા
September 24, 2026 10:17 AM
જેતપુરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. ભીડભંજન રોડ પર વહેલી સવારે ભૂગર્ભ ગટર છલકાતા એમાંથી તીવ્ર ઝેરી અને જલ્લદ કેમિકલયુક્ત પાણી રોડ પર ફરી વળ્યું હતું. સવારના સમયે બનેલી આ ઘટનાથી પસાર થતા રાહદારીઓની આંખો બળવા લાગી હતી અને શ્વાસ લેવામાં ભારે તકલીફ સર્જાઈ હતી.આજે વહેલી સવારે જેતપુરના ભીડભંજન રોડ પર ખોડપરા વિસ્તાર સામે બરફના કારખાનાના ખૂણે આવેલી ભૂગર્ભ ગટર અચાનક છલકાય હતી. ગટરમાંથી બહાર આવેલું પાણી સામાન્ય નથી પરંતુ તીવ્ર ઝેરી અને જલ્લદ કેમિકલયુક્ત હતું. સવારનો સમય હોવાથી શહેરની મોટાભાગની સ્કૂલોના વિદ્યાર્થીઓ આ મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા, જેમને આ વાયુ અને પાણીની અસરથી ગૂંગળામણ અનુભવાઈ હતી.એ જ રીતે, વહેલી સવારે દુકાનોમાં વાહનો મારફત માલસામાન ઉતારી રહેલા મજૂરો અને કામદારો પણ તીવ્ર વાસ અને ગૂંગળામણને કારણે મુશ્કેલીમાં મુકાયા હતા, અને તેમને મોઢે કપડાં બાંધવાની ફરજ પડી હતી. ભૂગર્ભ ગટરમાં આ પ્રકારે કોઈ બેજવાબદાર તત્વ દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવાનું મોટું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, ભીડભંજન રોડ પર ખોડપરા વિસ્તાર સામે બરફના કારખાના સિવાય બીજું કોઈ ઔદ્યોગિક એકમ આવેલું જ નથી. આ સંજોગોમાં ગટરમાં આટલું મોટું ઝેરી કેમિકલ ક્યાંથી આવ્યું તે મોટો સવાલ છે, અને આ મામલે બરફના કારખાના સામે પ્રબળ શંકાની સોયૂં તાકાઈ રહી છે. તંત્ર દ્વારા આ ગંભીર બેદરકારી કે ષડયંત્ર સામે વહેલી તકે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકઉગ્ર માંગ ઉઠી છે.