BREAKING NEWS

એક કરોડની વ્હેલની ઉલ્ટી સાથે જામનગરના ૩ સહિતની ટોળકી ઝબ્બે

  • October 14, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક કરોડની વ્હેલની ઉલ્ટી સાથે જામનગરના ૩ સહિતની ટોળકી ઝબ્બે

પડધરી હાઇવે પર એસઓજી ત્રાટકી : તારાપુર ચોકડીએથી મિત્ર પાસેથી એમ્બર ગ્રીસ લાવ્યાની કબુલાત

જામનગરના ત્રણ શખ્સ સહિતની ટોળકીને પડધરી હાઇવે પરથી એસઓજીની ટુકડીએ એક કરોડની કિંમતની વ્હેલની ઉલ્ટી સાથે પકડી લીધા હતા, પુછપરછ કરતા તારાપુર ચોકડીએથી તેના મિત્ર પાસેથી એમ્બરગ્રીસ લાવ્યાની કબુલાત કરતચા આ દિશામાં તપાસ લંબાવવામાં આવી છે, પોલીસે વ્હેલની ઉલ્ટી, બે કાર, ૬ મોબાઇલ મળી ૧.૧૦ કરોડથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ જામનગર અને દ્વારકા જિલ્લામાં વ્હેલની ઉલ્ટી સાથે શખ્સો ઝપટમાં આવી ચુકયા છે.

રાજકોટ એસઓજી પીઆઇ પારધી, પીએસઆઇ મિશ્રા સહિતની ટીમ પડધરી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન ચોકકસ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, મોરબીના બે શખ્સ કારમાં એમ્બરગ્રીસ લઇને પડધરી હાઇવે માધવ હોટલ પાસે ડીલેવરી માટે આવી રહયા છે, આવી બાતમી મળતા એસઓજી હરકતમાં આવી હતી, હકીકકત આધારે પંચોને સાથે રાખી શંકાસ્પદ કારને કોર્ડન કરવામાં આવી હતી.

દરમ્યાન મોરબી માળીયા હાઇવે, જનકપુરી સોસાયટીમાં રહેતા મેહુલ જગદીશ રાઠોડ, મોરબી કેનાલ રોડ ઉમિયાનગર અને મુળ આણંદના ઇન્દ્રાણજમાં રહેતા ભાનુ ઉર્ફે ભાવેશ મેલા ચાવડા, મોરબીના વિજયસિંહ ના‚ભા ઝાલા, જામનગર સાત રસ્તા સર્કલ પાસે રહેતા પ્રશાંત દિલીપ જાટ, જામનગરના મુંગણી સિકકા વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ કંચવા અને જામનગરના સાત રસ્તા નજીક રહેતા સાવન ભરત જાટને પકડી લીધા હતા.

તેની પાસેથી એક કરોડની કિંમતની વ્હેલની ઉલ્ટી, ૬ મોબાઇલ, ૨ કાર મળી કુલ ૧.૧૦.૮૦.૦૦૦ નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીઓએ પોલીસ પુછપરછમાં આ વ્હેલની માછલીની ઉલટીનો રૂ. ૧.૦૧ કરોડના જથ્થાનો રૂ. ૨૫ લાખમાં સોદો કરવાનું નકકી કર્યુ હતું, ત્યારે સવાલ એ ઉઠે છે કે આ માલ ખરીદવા કોણ આવવાનું હતુ ? જો કે પોલીસે આ બાબતથી અજાણ હોવાનો દાવો કર્યો છે. 

એસઓજી પીઆઇ ફતેહસિંહ પારગીએ જણાવ્યુ હતું કે, ભાનુ ચાવડા અને મેહુલ રાઠોડે કબુલાત કરી હતી કે, આ એમ્બરગ્રીસનો જથ્થો તારાપુર ચોકડીએથી રોહિત નામના મિત્ર પાસેથી લાવ્યા હતા અને નાણાં માલ વેચાયા બાદ આપવાનું નકકી કરાયું હતું, રોહિતને પકડવાનો બાકી છે, જો કે આરોપીઓ આ એમ્બરગ્રેસનો જથ્થો તારાપુર ચોકડીએથી લાવ્યાની વાત પણ સાચી છે કે ખોટી તે બાબતે પોલીસને શંકા છે, કેમ કે આરોપીઓએ એક કરોડની કિંમતની એમ્બરગ્રીસના કોઇ નાણાં ન ચુકવ્યા હોવાનું જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application