BREAKING NEWS

જામનગર: ધ્રોલમાં નગરપાલિકાની નોટિસથી રેંકડી-કેબિનધારકોમાં ભારે રોષ

  • October 07, 2026 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ધ્રોલમાં નગરપાલિકાની નોટિસથી રેંકડી-કેબિનધારકોમાં ભારે રોષ

ભાડું અને વેરો ભરવા છતાં કાર્યવાહી સામે ચીફ ઓફિસરને રજૂઆત

ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં રાજકોટ-જામનગર હાઈવે પર ત્રિકોણ બાગ સહિતની જગ્યાએ અનધિકૃત દબાણો દૂર કરવા માટે પાલિકા તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવતાં રેંકડી અને કેબિન ધારકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ નોટિસ સામે સખત વાંધો ઉઠાવી નાના ધંધાર્થીઓએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી નોટિસ પર ફેરવિચારણા કરવાની માંગણી કરી છે.
​​​​​​​
રજૂઆતમાં જણાવ્યા મુજબ, ત્રિકોણ બાગ વિસ્તારમાં ખાણીપીણી તથા અન્ય વ્યવસાય કરતી આ કેબિનોના ધારકો ગરીબ વર્ગમાંથી આવે છે અને રોજનું કમાઈને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ નગરપાલિકાની ભાડાની જગ્યામાં જ ધંધો કરે છે અને નિયમિતપણે માસિક ભાડું તેમજ વેરો પણ ભરપાઈ કરે છે. આ કેબિનો રોડને સહેજ પણ નડતરરૂપ નથી અને ફાજલ પડેલી જગ્યામાં જ આવેલી છે. જો આ જગ્યાઓ ખાલી કરાવાશે તો ધંધો બંધ થઈ જવાથી પરિવારો સામે જીવનનિર્વાહનો ગંભીર પ્રશ્ન ઊભો થશે.
​​​​​​​
ધંધાર્થીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ જ લાઈનમાં પાર્કિંગની જગ્યા તેમજ જાહેર પ્લોટમાં મંજૂરી વિના મોટા પાકા બાંધકામો અને હોટલો ઊભી કરવામાં આવી છે. તેની સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી અને માત્ર નાના લોકોને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આથી નાના ધંધાર્થીઓ સામે પક્ષપાતી વલણ રાખવાના બદલે જો કાર્યવાહી કરવી જ હોય તો પહેલા જાહેર પ્લોટ અને પાર્કિંગના તમામ મોટા ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવે, ત્યારબાદ જ તેમની સામે નિયમાનુસાર પગલાં લેવામાં આવે તેવી એકસૂરે માંગ કરાઈ છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application