જામનગર: ખાનગી કંપનીની સાઇટ પર ખાલી કરવા આવેલા ટ્રેલરમાંથી ૨.૨૦ લાખના સળીયા ગાયબ
બાડમેરના ડ્રાઇવરે રસ્તામાં સળીયા સગેવગે કર્યા: છેતરપીંડીની ફરીયાદ
જામનગર નજીક પડાણા વિસ્તારમાં ખાનગી કંપનીની મોલ સાઇટ ખાતે લોખંડના સળીયા ઉતારવા ટ્રેલરમાં ભરીને સામખીયાળીથી ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રેલર રવાના થયુ હતું દરમ્યાનમાં રસ્તામાં ૨.૨૦ લાખની કિંમતના લોખંડના સળીયા ડ્રાઇવરે સગેવગે કરી નાખી કોન્ટ્રાકટ કંપની સાથે વિશ્ર્વાસઘાત કર્યાનો મામલો સામે આવતા ટ્રેલરના ડ્રાઇવર બાડમેરના શખ્સ અને તપાસમાં જે ખુલે તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરના સમર્પણ પાર્કમાં રહેતા મુળ રાંદેરના આનંદનગર સોસાયટીના વતની અને ખાનગીમાં નોકરી કરતા અનિકેત દિપકભાઇ પટેલ દ્વારા ગઇકાલે મેઘપર પડાણા પોલીસમાં ટ્રેલર નં. જીજે૧૨બીટી-૨૫૬૫ના ડ્રાઇવર જુંજારામ લક્ષમણરામ રહે. બાડમેર રાજસ્થાન અને તપાસમાં જે ખુલે તેની સામે જુદી જુદી કલમો મુજબ ફરીયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગતો મુજબ ફરીયાદીની નિયતી એન્જી. પ્રા.લી. કંપનીને રિલાયન્સ કંપની દ્વારા મોલના કામ માટે લોખંડના ટીએમટી સળીયાનું મટીરીયલ પહોચાડવા માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જે મુજબ કોન્ટ્રાકટ કંપનીને ગાંધીધામ કચ્છ ખાતે આવેલ ઇલેકટ્રોથેરમ (ઇન્ડીયા) લી. કંપનીના પ્લાન્ટમાંથી સામખીયાળી ખાતેના અંજની રોડલાઇન્સ નામના ટ્રાન્સપોર્ટ મારફતે મટીરીયલ મંગાવેલ હોય અને એમએમ લોખંડના ટીએમટી સળીયા ૨૪૭૬૦ કિ.ગ્રા. ટ્રેલર નં. જીજે૧૨બીડી-૨૫૬૫માં ભર્યા હતા.
તમામ લોખંડના સળીયા મોલ પરની સાઇટ ખાતે ખાલી કરવા માટે વિશ્ર્વાસથી સોપી આપેલ હતા, જે પૈકી આરોપી ૩૪૫૫ કિ.ગ્રા. લોખંડના સળીયા જેની આશરે કિ. ૨.૨૦ લાખની ગણાય તે ઓછા પહોચાડી રસ્તામાં કોઇ જગ્યાએ ઉતારી વેંચી નાખી અંગત ફાયદા માટે આર્થીક લાભ મેળવવા ટ્રેલરમાં ભરેલા સળીયા રસ્તામા કોઇ સ્થળે કાઢી ઓળવી જઇ કોન્ટ્રાકટ કંપની સાથે વિશ્ર્વાસઘાત કર્યો હતો આ ફરીયાદના આધારે મેઘપરના પીઆઇ જયસ્વાલ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.