BREAKING NEWS

જામનગરમાં નિર્ભયપણે ગરબે ઘૂમશે નારી, સુરક્ષા કરશે શી​​​​​​​-ટીમ

  • October 14, 2026 12:42 PM 

જામનગરમાં નિર્ભયપણે ગરબે ઘૂમશે નારી, સુરક્ષા કરશે શી​​​​​​​-ટીમ 

રોમિયોગીરી કરનારાઓ સામે કડક કાર્યવાહી : ખેલૈયાઓ વચ્ચે પરંપરાગત પોશાક અને ડ્રેસકોડમાં સી-ટીમની હાજરી : અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી બાઝ નજર

જામનગરમાં નવરાત્રિ દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે પોલીસની શી-ટીમ સક્રિય બની છે. મહિલા પોલીસ કર્મચારીઓ પરંપરાગત પોશાક અને ડ્રેસકોડ માં વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચી મહિલા ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમીને સુરક્ષા વ્યવસ્થા પર ચાંપતી નજર રાખી રહી છે. ગરબા ગ્રાઉન્ડ તથા તેની આસપાસ રોમિયોગીરી કરતા શખ્સોને પકડી તેમની સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર શહેર અને જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ તથા દશેરાની ઉજવણી ઉત્સાહભેર અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ વિશેષ સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ નિર્ભય બની ગરબામાં ભાગ લઈ શકે તે માટે પોલીસ દ્વારા દેખરેખ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે.

સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એમ.ડોડીયાની સૂચનાથી ’શી ટીમ’ ના પીએસઆઇ વી.આર.ધોરીયા સહિત ની ટીમે વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. પરંપરાગત પોશાકમાં હાજર મહિલા પોલીસ કર્મચારીઓએ ખેલૈયાઓ વચ્ચે રહી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી હતી.

આ દરમિયાન ગરબા ગ્રાઉન્ડ અને આસપાસ રોમિયોગીરી કરતા શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શંકાસ્પદ વ્યક્તિઓ તથા તેમનાં વાહનોની તપાસ સાથે વાહનોના દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા. બ્રેથએનલાઇઝર દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી અનુસંધાને ચુસ્ત બંદોબસ્ત અને સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે, લોકો શાંતિપુર્ણ રીતે નવરાત્રીનો ઉત્સવ માણી શકે તે માટે સુચારૂ આયોજન ઘડી કાઢીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબુત બનાવવામાં આવી છે, અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સથી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત કમાન્ડ ક્નટ્રોલના સીસી કેમેરાથી મોનીટરીંગ કરીને પોલીસ વિભાગ દ્વારા નવરાત્રીના પર્વ દરમ્યાન કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે સતત ચેકીંગ અને સુરક્ષા વ્યવસ્થા બાબતે ચકાસણી કરવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application