વાડીનાર નરારા ટાપુ ખાતે વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી
દ્વારકા જિલ્લાના વાડીનાર સ્થિત મરીન નેશનલ પાર્ક અંતર્ગત આવતા અને જીવસૃષ્ટિ માટે પ્રખ્યાત એવા નરારા ટાપુ ખાતે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે નેશનલ પાર્ક સિક્કા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન સોરઠીયા તથા ખંભાળિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે. વી. ગાંગડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણી અંતર્ગત મરીન નેશનલ પાર્ક સિક્કા રેન્જ અને ખંભાળિયા રેન્જનો સ્ટાફ, વાડીનાર નરારા ટાપુના હુશેનભાઈ, જયરાજસિંહ ચુડાસમા તેમજ વાડીનારના સરપંચ, સ્થાનિક ગ્રામજનો, નરારા ટાપુના ગાઈડ અને ત્યાં મુલાકાતે આવેલા પ્રવાસીઓ મોટી સંખ્યામાં સાથે મળ્યા હતા. આ તમામ લોકોએ ભેગા મળીને ટાપુ પર વૃક્ષારોપણ કર્યું હતું અને સાથે જ સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌ નાગરિકો અને પ્રવાસીઓને પ્લાસ્ટિકની થેલી તેમજ પ્લાસ્ટિકની અન્ય વસ્તુઓનો ઉપયોગ ન કરવા, ગમે ત્યાં કચરો ન ફેંકવા અને ટાપુને હંમેશા ક્લીન (સ્વચ્છ) રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. આમ, સૌના સહિયારા પ્રયાસોથી નરારા ટાપુ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની સફળતાપૂર્વક ઉજવણી સંપન્ન થઈ હતી.