BREAKING NEWS

ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

  • June 18, 2026 01:53 PM 

ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

૧૦૦થી વધુ પ્રવૃત્તિઓ દ્વારા ૧ લાખથી વધુ લોકો સુધી પહોંચાડાયો તમાકુમુક્ત સમાજનો સંદેશ

તા. ૨૦ મે થી ૫ જૂન દરમિયાન મૌખિક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ, સેમિનાર અને 'મારું ઘર તમાકુમુક્ત ઘર' પહેલ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું વ્યાપક સ્તરે આયોજન કરાયું

જામનગર તા.૧૮, સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ-૨૦૨૬ની ઉજવણી અંતર્ગત તા. ૨૦ મે થી ૫ જૂન ૨૦૨૬ દરમિયાન વ્યાપક જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પખવાડિયા દરમિયાન ૧૦૦થી વધુ વિવિધ પ્રવૃત્તિઓ યોજીને તમાકુ અને નિકોટિન ઉત્પાદનોના ઉપયોગથી થતા મોઢાના કેન્સર, હૃદયરોગ, ફેફસાંના રોગો તેમજ અન્ય ગંભીર આરોગ્ય સમસ્યાઓ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે જ, તમાકુ છોડવા ઇચ્છુક વ્યક્તિઓને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને વિશેષ સલાહકાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

આ વર્ષની વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ “Unmasking the Appeal – Countering Nicotine & Tobacco Addiction” ને કેન્દ્રમાં રાખીને તમાકુ ઉદ્યોગ દ્વારા યુવાનો અને કિશોરોને આકર્ષવા માટે અપનાવવામાં આવતી વિવિધ માર્કેટિંગ યુક્તિઓ, આકર્ષક પેકેજિંગ, ફ્લેવર અને ભ્રામક જાહેરાતો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અભિયાન દરમિયાન મૌખિક કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ, જનજાગૃતિ કેમ્પ, પ્રદર્શનો, સેમિનાર, વર્કશોપ, કઠપૂતળી શો, નુક્કડ નાટકો, ઓરલ હેલ્થ કિટ વિતરણ, તમાકુ નિષેધ પરામર્શ તેમજ વિવિધ શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિષ્ણાત દંતચિકિત્સકો દ્વારા મોટી સંખ્યામાં નાગરિકોનું મૌખિક પરીક્ષણ કરીને તમાકુજન્ય રોગો તથા કેન્સર પૂર્વેની સ્થિતિઓ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

અભિયાનની વિશેષ આકર્ષણરૂપ પ્રવૃત્તિ તરીકે “મારું ઘર તમાકુમુક્ત ઘર”પહેલ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત “તંદુરસ્ત પરિવાર – તમાકુમુક્ત પરિવાર” જેવા પ્રેરણાદાયી સંદેશા ધરાવતા પોસ્ટર અને સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને પોતાના ઘરના મુખ્ય દરવાજા પર આ સ્ટીકર લગાવી તમાકુમુક્ત ઘરનો સંકલ્પ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેને સમાજના વિવિધ વર્ગોમાંથી ખૂબ જ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો.

સમાજના તમામ સ્તરો સુધી આ સકારાત્મક સંદેશ પહોંચાડવા માટે ડેન્ટલ કોલેજ જામનગર દ્વારા રોટરી ક્લબ, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) જામનગર શાખા, રિલાયન્સ ગ્રુપ, અરહમ યુવાસેવા ગ્રુપ તથા જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ સાથે સંયુક્ત રીતે વિવિધ આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સહયોગ દ્વારા શાળાઓ, કોલેજો, આરોગ્ય સંસ્થાઓ, જાહેર સ્થળો તેમજ સમુદાય વિસ્તારોમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.આ ઉપરાંત, રાજકોટ સ્થિત આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજો સાથે પણ સહયોગ સ્થાપીને વિદ્યાર્થીઓ માટે વિશેષ વ્યાખ્યાનો, સેમિનાર અને વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં તબીનોને તમાકુ નિયંત્રણ, તમાકુ છોડાવવાની પદ્ધતિઓ અને મૌખિક કેન્સરની વહેલી ઓળખ અંગે તાલીમ આપવામાં આવી હતી. સાથે જ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા સેટેલાઇટ આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત આરોગ્ય કર્મચારીઓ માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરી, તેમને શંકાસ્પદ દર્દીઓના યોગ્ય રિફરલ અંગે સજ્જ કરવામાં આવ્યા હતા.

નુક્કડ નાટકો અને કઠપૂતળી શો દ્વારા મનોરંજક અને સરળ ભાષામાં તમાકુના દૂષણો અંગે માહિતી આપવામાં આવી હતી, જ્યારે પ્રદર્શનો અને સેમિનારો દ્વારા વૈજ્ઞાનિક માહિતી અને સંશોધન આધારિત તથ્યો લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા અભિયાન, ડિજિટલ જનજાગૃતિ અને વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી અંદાજે ૧ લાખથી વધુ લોકો સુધી તમાકુ વિરોધી સંદેશ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યો હતો.

સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, જામનગરનો જાહેર આરોગ્ય દંતચિકિત્સા વિભાગ તથા તમાકુ નિષેધ કેન્દ્ર જામનગર અને આસપાસના વિસ્તારોમાં લોકોના આરોગ્ય સુધારણા માટે સતત કાર્યરત છે. ૨૦ મે થી ૫ જૂન દરમિયાન આયોજિત આ વ્યાપક અભિયાન દ્વારા હજારો નાગરિકો, વિદ્યાર્થીઓ, દર્દીઓ, શિક્ષકો તથા આરોગ્ય કર્મચારીઓને સાંકળીને જી.ડી.સી.એચ. જામનગરની આ પહેલે તમાકુમુક્ત, સ્વસ્થ અને જાગૃત સમાજના નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application