‘વર્લ્ડ ઓરલ હેલ્થ મંથ’ની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય સ્થાન મેળવી સરકારી ડેન્ટલ કોલેજે જામનગરનું ગૌરવ વધાર્યું
૧૦૦૦થી વધુ બાળકોની નિઃશુલ્ક તપાસ અને વિવિધ જાગૃતિ કાર્યક્રમો બદલ જામનગર ડેન્ટલ કોલેજને વિશિષ્ટ સન્માન પ્રાપ્ત થયું
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલના ‘પીડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી’ વિભાગ દ્વારા 'વર્લ્ડ ઓરલ હેલ્થ મંથ'ની ઉજવણી અંતર્ગત બાળકોમાં દાંત અને મોઢાના સ્વાસ્થ્ય અંગે વિશેષ જાગૃતિ અભિયાન યોજવામાં આવ્યું હતું. આ ઉજવણી ભાગરૂપે નિષ્ણાત દંતચિકિત્સકોની ટીમ દ્વારા શહેરની વિવિધ શાળાઓમાં ૧૦૦૦થી વધુ બાળકોની નિઃશુલ્ક દાંત અને પેઢાંની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બાળકોને દાંતનો સડો, પેઢાંના રોગો તેમજ મોઢાની સ્વચ્છતા કેવી રીતે જાળવવી તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, બાળકોમાં ઓરલ હેલ્થ પ્રત્યે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ શૈક્ષણિક, મનોરંજક અને રમતગમત આધારિત પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જામનગર ડેન્ટલ કોલેજ દ્વારા હાથ ધરાયેલા આ સમગ્ર જાગૃતિ અભિયાનની કામગીરીને રાષ્ટ્રીય સ્તરે પણ ઉત્કૃષ્ટ સરાહના થઈ છે. દિલ્હી ખાતે ‘ઈન્ડિયન સોસાયટી ઓફ પીડિયાટ્રિક એન્ડ પ્રિવેન્ટિવ ડેન્ટિસ્ટ્રી’ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સમાં દેશભરની આશરે ૨૦ જેટલી ડેન્ટલ કોલેજો દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક રજૂઆતમાં સરકારી ડેન્ટલ કોલેજ, જામનગરે સમગ્ર દેશમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી ગૌરવવંતું સ્થાન મેળવ્યું છે.
આ સફળતા અને જાગૃતિ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. વિપિન આહુજા તેમજ ડો. કેયુર, ડો. કૃષ્ણા, ડો. અંકિતા, ડો. દીપિકા, ડો. વર્ષા, ડો. ખુશ્બુ, ડો.મંદાકિની સહિત વિભાગના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી. આ તમામ પ્રવૃત્તિઓ કોલેજના ડીન ડો. નયના પટેલના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ રાષ્ટ્રીય કક્ષાની સિદ્ધિ બદલ સંસ્થા પરિવારમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application