જામનગરમાં રંગેચંગે ગણેશ ઉત્સવનો પ્રારંભ, ભકતો ભાવવિભોર
વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન ગજાનનની મુર્તિઓનું પુજન અર્ચન કરાયું: ૧૧ દિવસના ઉત્સવ દરમ્યાન ઠેર ઠેર પંડાલો અને મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નાદ સાથે વિઘ્નહર્તાની વાજતે-ગાજતે પધરામણી, મંગળ મુહૂર્તમાં ઘરે-ઘરે અને પંડાલોમાં દુંદાળા દેવનું સ્થાપન કરાયું.
ધર્મનગરી અને છોટીકાશી તરીકે ઓળખાતા જામનગર શહેરમાં ગણેશોત્સવ પર્વનો અત્યંત ભક્તિસભર, ઉત્સાહપૂર્ણ અને મંગલમય વાતાવરણ વચ્ચે પ્રારંભ થયો છે. સિદ્ધિ વિનાયક દેવતા શ્રી ગણેશજીની મુર્તિને વધાવવા માટે સમસ્ત હાલાર પંથક આસ્થાના રંગે રંગાઈ ગયો છે. શુકનવંતા પર્વના પાવન અવસરે સવારે ૮:૩૦ વાગ્યાના શ્રેષ્ઠ અને મંગળકારી મુહૂર્તમાં વિધિવિધાનપૂર્વક, વૈદિક મંત્રોચ્ચાર સાથે વિઘ્નહર્તા ભગવાન ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી.
શહેરના મુખ્ય રાજમાર્ગો, સર્કલો, પોશ વિસ્તારોથી માંડીને છેવાડાના વિસ્તારો તેમજ સોસાયટીઓ અને ઘરે-ઘરે લાડકા બાપ્પાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ડીજેના તાલે, ઢોલ-નગારાના ધબકારે અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે શ્રદ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. નાચતા-ગાતા અને ભક્તિભાવપૂર્વક ગણેશ ભક્તો પોતાના આરાધ્ય દેવને આવકારવા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. ’ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વર્ષી લવકર યા અને બાપ્પા મોરિયા રે જેવા ગગનભેદી જયઘોષથી સમગ્ર છોટીકાશીનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણમાં દિવ્ય ઊર્જાનો સંચાર થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગણેશ સ્થાપનાની પૂર્વસંધ્યાએથી જ શહેરમાં અનોખો ધર્મોલ્લાસ જોવા મળ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે રણજિત સાગર રોડ સ્થિત મૂર્તિ કેન્દ્રો પર લાડીલા ગણેશજીની કલાત્મક પ્રતિમાઓને લેવા માટે ભક્તોની ભારે માનવ મેદની ઉમટી પડી હતી. મૂર્તિ ખરીદીને વાજતે-ગાજતે લઈ જતા ભાવિકોના ચહેરા પર અનોખો હર્ષોલ્લાસ અને ઉત્સાહ છલકાતો નજરે પડતો હતો. રણજિત સાગર રોડ સહિત શહેરભરના માર્ગો મોડી રાત સુધી ભક્તિરસમાં તરબોળ રહ્યા હતા.
આગામી દિવસોમાં ગણેશોત્સવ અંતર્ગત શહેરભરના સાર્વજનિક ગણેશ પંડાલો તેમજ રહેણાંક વિસ્તારોમાં દરરોજ સવાર-સાંજ મહાઆરતી, મહાપ્રસાદ વિતરણ, સંતવાણી, ભજન-કીર્તન, રાસ-ગરબા તેમજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દુંદાળા દેવના પાવન આગમનથી નગરજનોમાં આધ્યાત્મિક ઉમંગ અને ઉત્સવનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application