BREAKING NEWS

જામનગર: લાલપુર નજીક રોજડુ બાઇકમાં અથડાતા અકસ્માતમાં યુવાનનું મોત

  • June 27, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુર નજીક રોજડુ બાઇકમાં અથડાતા અકસ્માતમાં યુવાનનું મોત

મૃતકના પત્ની અને પુત્રીને સામાન્ય ઇજા : લાલપુર ચોકડી પાસે ટ્રકે કારને હડફેટે લીધી

લાલપુરના ગોવાણા ચેક પોસ્ટથી આગળ મંદિર નજીકના રોડ પર અચાનક રોજડુ આડે આવતા બાઇકને અકસ્માત નડયો હતો જેમાં સવાર એક યુવાનનું મૃત્યુ થયુ હતું જયારે તેમના પત્ની અને દિકરીને સામાન્ય ઇજા પહોચી હતી, આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગતો આધારે કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે, અત્રે ઉલ્લેખનીય છે કે રોડ પર પશુઓના કારણે અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે વધુ એક અકસ્માતના કારણે માનવ જીંદગીનો ભોગ લેવાયો છે, અન્ય બનાવમાં લાલપુર ચોકડીથી આગળ ટ્રકે કારની સાઇડમાં અથડાવીને અકસ્માત સર્જયો હતો જે અંગે ટ્રકચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. 

લાલપુરના ગોવાણા ગામના વતની અને હાલ નાંદુરી રોડ દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા ખેતી કરતા ચંદુભાઇ મારખીભાઇ કારેણા (ઉ.વ.૩૬) તથા તેમના પત્ની હંસાબેન અને દિકરી મયુરીબેન મોટરસાયકલ નં. જીજે૧૦બીએચ-૫૩૧૨ લઇને ગત તા. ૧૯ના રોજ ગોવાણાથી લાલપુર તરફ આવતા હતા.

ત્યારે ગોવાણા ચેક પોસ્ટ આગળ કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરના પાટીયા પાસે પહોચતા અચાનક રોડ પર રોઝ આડે આવ્યુ હતું મોટરસાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અને બાઇકમાંથી નીચે પડી ગયા હતા.
જેમાં હંસાબેન અને મયુરીને સામાન્ય ઇજા થઇ હતી જયારે ચંદુભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ હતું, આ અંગે હંસાબેન કારેણા દ્વારા ગઇકાલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી બનાવના કારણે થોડીવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.

અકસ્માતના બીજા બનાવમાં રાજકોટ રામનાથપરા વિસ્તારમાં રહેતા વેપાર કરતા અજયસિંહ રમેશ સિંધવ (ઉ.વ.૪૨) નામના યુવાને ગઇકાલે પંચ-બીમાં એનએલ૦૧એજી-૫૪૦૭ નંબરના ટ્રકના ચાલક ભીખારામ ભાલુરામ ચૌધરીની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.

ગઇકાલે સાંજના સુમારે લાલપુર ચોકડીથી દ્વારકા તરફના હાઇવે પર આરોપીએ પોતાની ટ્રક બેફીકરાઇ અને બેકાળજીપુર્વક ચલાવી ફરીયાદીની કાર નં. જીજે૩એચઆર-૫૫૨૬માં ડ્રાઇવર સાઇડની આગળના ભાગે અથડાવી હતી આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application