દ્વારકામાં મુરલીધર ટાઉનશિપ ખાતે રહેતા રજતકુમાર રમેશભાઈ કોટક નામના ૩૧ વર્ષના લોહાણા યુવાન ગુરુવારે સાંજના સમયે તેમના જી.જે. ૧૬ એ.એચ. ૭૬૮૧ નંબરના મોટરસાયકલ પર બેસીને મીઠાપુરથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન ભીમરાણા ગામે પહોંચતા તેમના મોટરસાયકલ આડે એકાએક ગાય ઉતરી આવી હતી. જેના કારણે આ મોટરસાયકલ ગાય સાથે ટકરાયું હતું.
આ અકસ્માતમાં બાઈક સ્લીપ થઈ જતા બાઈક ચાલક રજતકુમારને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા રમેશભાઈ જયંતીભાઈ કોટકએ મીઠાપુર પોલીસને કરી છે.
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા સાગરદાન જેસાભાઈ અવસુરા નામના ૩૨ વર્ષના ગઢવી યુવાન તેમના જી.જે. ૩૭ એચ. ૬૧૨૫ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલું આ મોટરસાયકલ કાનપર શેરડી ગામના વાડી વિસ્તારમાં પાસેની ગોળાઈમાં સ્લીપ થઈ જતા બાઈક ચાલક સાગરદાનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ ભરતભાઈ જેસાભાઈ અવસુરાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે મૃતક બાઈક ચાલક સાગરદાન જેઠાભાઈ અવસુરા સામે ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.