જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા ચોકીદારી કરતા યુવાન તેના મિત્રો સાથે એમ.પી.શાહ આવાસ પાછળ ખુલ્લા પ્લોટ પાસે નામકરણવિધીમાં જમીને બહાર નીકળતા હતા ત્યારે બાઇકના અવાજ બાબતે બબાલ થતા ઉશ્કેરાયેલા એક અજાણ્યા શખ્સે ઝપાઝપી કરી હથોડા જેવા હથિયારથી હુમલો કરીને ફરીયાદી યુવાનને ગંભીર ઇજા પહોચાડી હતી.
જામનગરના ખોડીયાર કોલોની પેટ્રોલપંપ સામેની ગલીમાં રહેતા ચોકીદારી કરતા રમેશ લોકેશભાઇ કડાયત (ઉ.વ.૨૬) નામના નેપાળી યુવાન તથા તેના મિત્ર રવિન્દ્ર વિશ્ર્વકર્મા તથા પુરન વિશ્ર્વકર્મા પોતાના મિત્ર લલીત વિશ્ર્વકર્માના દિકરાના નામકરણ વિધીમાં જમીને બહાર નીકળ્યા હતા.
ફરીયાદીના મિત્ર રવિન્દ્રભાઇ પોતાની મોટરસાયકલ ચાલુ કરતા હતા ત્યારે અવાજ આવતા આરોપીએ અવાજ નહી કરવાનું કહીને ઉશ્કેરાઇ અપશબ્દો બોલ્યા હતા, દરમ્યાન પુરને આરોપીને આ રોડ કોઇના બાપનો નથી તેમ કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા તેના મિત્રોને અપશબ્દો કહી ઝપાઝપી કહી ઘરમાં જઇને લોખંડના હથોડા જેવુ હથિયાર કાઢી ફરીયાદીના માથાના ભાગે એક ઘા ઝીંકી ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોચાડી હતી. આથી ઇજાગ્રસ્તેન સારવારમાં ખસેડાયો છે. આ બનાવ અંગે રમેશભાઇ દ્વારા સીટી-બી ડીવીઝનમાં એક અજાણ્યા શખ્સ સામે ફરીયાદ નોંધાવી હતી.