BREAKING NEWS

જામનગરમાં પૈસાની લેતી-દેતીના મામલે યુવાન સહિતનાનું અપહરણ

  • April 27, 2026 06:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પૈસાની લેતી-દેતીના મામલે યુવાન સહિતનાનું અપહરણ


એક બંગલામાં ગોંધી રાખ્યા: છ શખ્સો સામે ફરીયાદ : લીધેલી રકમ સમયસર નહી આપી શકતા મામલો બિચકયો: આરોપીઓની અટક 


રાજકોટના એક યુવાન અને પરિવાર કારમાં બેસીને જતા હતા ત્યારે અગાઉની પૈસાની લેતીદેતીના મામલે આરોપીઓએ સ્કોર્પીયોમાં ઘસી જઇને અપહરણ કરી જઇ જામનગર બંગલામાં ગોંધી રાખી રૂપીયા કઢાવવા માટે યુવાનને ઢીકાપાટુનો માર મારીને ધાક ધમકી દીધાનો મામલો પોલીસમાં પહોચતા આ અંગે છ સામે ગુનો નોંધીને પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતીમાન કરી આરોપીઓને પકડી લીધા છે. જે મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


રાજકોટના રૈયાધાર ડ્રીમ સીટી ખાતે રહેતા નોકરી કરતા નિમેશ ભુપતભાઇ તન્ના (ઉ.વ.૩૨) નામના યુવાને ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં જામનગરના જયદીપસિંહ જાડેજા, ચિરાગ આહીર, એજાજ સાઇચો, અક્ષય ઉર્ફે અપો ચાવડા, અમિત ચાવડા અને એક અજાણ્યા શખ્સ આ છ ની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.


વિગત મુજબ ફરીયાદી પાસે આરોપી ચિરાગ મારફતે જયદીસિંહના વ્હાઇટના નાણા રોકડમાં કરી આપવા માટે ૨૭.૨૦ લાખ રૂપીયા આપ્યા હતા જે રકમ ફરીયાદી આરોપી જયદીપસિંહને સમયસર ચુકવી નહી શકતા તમામ આરોપીઓએ કાવતરૂ રચીને ફરીયાદી તથા સાહેદનું અપહરણ કરી ખંડણી રૂપે પૈસા કઢાવવા માટે જામનગર મુકામે એક બંગલામાં ગેરકાયદે ગોંધી રાખી મૃત્યુના ભયમાં મુકી રૂપીયા નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો.


ઉપરાંત ૯.૭૫ લાખ ગેરકાયદે રીતે આંગડીયા તથા રોકડથી બળજબરીપુર્વક કઢાવી લઇ ગુનો આચર્યો હતો, આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા તપાસ આદરવામાં આવી હતી અને આરોપીઓને અટકમાં લેવામાં આવ્યા છે. 


આ બનાવની વધુમાં જાણવા મળતી વિગત મુજબ ફરીયાદી યુવાન ઉપરોકત બતાવેલા સરનામે તેમના પરિવાર સાથે રહે છે, દરમ્યાન ચિરાગને વર્ષોથી ઓળખતો હોય ગત તા. ૨૧ના બપોરે ફોન આવ્યો હતો અને રૂપીયા બાબતે વાતચીત થઇ હતી, આથી ફરીયાદીએ વાતચીત કર્યા બાદ રૂપીયા મોકલવા કહયુ હતુ એ પછી આપેલ પૈસા બે-ત્રણ દિવસમાં પરત કરવા જણાવતા આજે જ રૂપીયા જોશે તેવી વાત કરી ડરાવી ગત તા. ૨૪ના ફરીયાદી તેમના પત્ની, પુત્રી, મિત્ર અને ડ્રાઇવર સાથે કાર લઇ રાજકોટથી અમદાવાદ જવા નીકળેલ ત્યારે ચોટીલા ટોલનાકે સ્કોર્પીયો ગાડી આડી નાખીને તેમાથી પાંચ આરોપીઓ ઉતરેલ અને અમારૂ અપહરણ કરેલ તેમજ રૂપીયાની માંગણી કરી હતી.


એ પછી જામનગરમાં એક બંગલામાં રૂમમાં પુરી દીધા હતા, અહી ગોંધી રાખી રૂપીયા આપવા માંગણી કરી હતી, ધમકી આપી હતી આમ આ અંગેની ફરીયાદ વિધિવત દાખલ થતા તાકીદની અસરથી પોલીસે ચક્રો ગતીમાન કરીને આરોપીઓને દબોચી લીધા છે. અને તપાસ આગળ ધપાવવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application