ખંભાળિયાના મોવાણ ગામે ગ્રામસભાની બેઠકમાં યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો
ખંભાળિયાના મોવાણ ગામે ગ્રામસભાની બેઠકમાં યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો
October 05, 2026 12:48 PM
ખંભાળિયાના મોવાણ ગામે ગ્રામસભાની બેઠકમાં યુવાન પર ત્રણ શખ્સો દ્વારા હુમલો
ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે શુક્રવારે સવારે યોજાયેલી ગ્રામસભાની બેઠકમાં પાણી માટે ભરવાના થતા રૂ. ૫૦૦ બાબતે પાણી સમિતિના સભ્ય સાથે બોલાચાલી થયા બાદ પિતા-પુત્ર દ્વારા હુમલો કરાયા બાદ આ પ્રકરણમાં ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા અને ગામની પાણી સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપતા હેમતભાઈ પ્રેમજીભાઈ હડીયલ નામના ૪૯ વર્ષના સતવારા યુવાન શુક્રવાર તા. ૨ ના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાયેલી ગ્રામસભાની બેઠકમાં ગયા હતા. આ પૂર્વે હાલ દુષ્કાળની પરિસ્થિતિ હોય, જેથી ગામમાં પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનોએ પાણી પુરવઠા વિભાગમાં મૌખિક રજૂઆત કરી હતી. જેથી ગ્રામજનોને જણાવાયું હતું કે મોવાણ ગામનું પાણીનું બિલ બાકી છે. જે ભરી અપાયા બાદ પાણી મળશે.
આથી મોવાણ ગામના સરપંચ જોગ રૂ. ૬.૬૦ લાખના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મોકલવામાં આવેલા બાકી બિલ પ્રમાણે અગાઉની મિટિંગમાં દરેક કનેક્શન દીઠ ૫૦૦ રૂપિયા ઉઘરાવવાનું નક્કી થયું હતું. જે પૈસા ઉઘરાવવાની જવાબદારી ગામે ફરિયાદી હેમતભાઈને સોંપી હતી. ત્યાર બાદ મુરજી હીરા હડીયલએ તેના કનેક્શનના પૈસા આપવાની ના પાડી હતી. જે અંગેની જાણ ગામના આગેવાન ઉપરાંત સરપંચ વિગેરેને કરવામાં આવી હતી. પરંતુ મુરજી હીરાભાઈ હડીયલએ પૈસા ભર્યા ન હતા. શુક્રવારની ગ્રામસભાની બેઠકમાં આરોપી મુરજીભાઈ હીરાભાઈ તથા નરશી મુળજી હડીયલ ત્યાં આવ્યા હતા. તેની સાથે રમેશ સીદા રાજગોર નામનો શખ્સ પણ આવ્યો હતો અને પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો. આરોપી મુરજી અને તેના પુત્ર નરશીએ કહેલ કે અમારે ૫૦૦ રૂપિયા ભરવાના નથી થતા. પરંતુ તમે મને વાસ્મોના અગાઉ ભરેલા રૂ. ૧૫૦૦ પાછા આપો. તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, તેમના ઉપર હુમલો કર્યો હતો. આટલું નહીં, હવે પછી જો પાણીના પૈસા માગશો તો જીવતા નહીં છોડીએ તેમ કહી ત્રણેય શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે હેમતભાઈ હડીયલની ફરિયાદ પરથી મુરજીભાઈ હીરાભાઈ, તેમના પુત્ર નરશી તેમજ રમેશ સીદા રાજગોર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે. આ બઘડાટીનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે.