ચોરખાના બનાવી તેમાં સંતાડીને ઇંગ્લિશ દારૂ લાવ્યો હતો : કુલ ૨.૨૯ લાખનો મુદામાલ જપ્ત કરાયો
જામનગરમાં નંદનવન સોસાયટી વિસ્તારમાં રેઢી પડેલી એક કારમાં ચોર ખાનામાં સંતાડવામાં આવેલો ૧૪૯ નંગ ઇંગ્લિશ દારૂની નાની મોટી બાટલીનો જથ્થો પકડાયો છે, અને પોલીસે કાર અને દારૂ કબજે કરી લીધા છે. જે દારૂનો જથ્થો સંતાડનાર આરોપીને મોડેથી પોલીસે ઝડપી લીધો છે. આ ઉપરાંત એક બાઈકમાંથી પણ ઇંગ્લિશ દારૂ પકડાયો છે. જે બાઈક ચાલકને પોલીસ શોધી રહી છે.
જામનગરના સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેઓની ટીમ દ્વારા નંદનવન સોસાયટી વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન જી.જે.૧ કે.સી.૩૬૪૮ નંબરની સેન્ટ્રો કાર શંકાસ્પદ હાલતમાં જણાતા તે કારની પોલીસ દ્વારા તલાસી લેવામાં આવી હતી. શરૂઆતમાં કશું દેખાયું ન હતું, પરંતુ પોલીસે કારની સીટને ઊચી કરીને ચેક કરતાં અંદર થી નાની મોટી ૧૪૯ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો સંતાડેલી અવસ્થામાં મળી આવ્યો હતો.
તેથી પોલીસે કાર અને બાઈક વગેરે કબજે કરી લીધા છે, જ્યારે જે દારૂનો જથ્થો સંતાડનાર આરોપી જયેશ ઉર્ફે જયૂ કિશોરભાઈ ચાંદ્રા તથા અન્ય એક ઇસમને ફરારી જાહેર કરાયો હતો. જોકે મોડેથી તે આરોપીને પોલીસે ઝડપી લીધો છે.
આ ઉપરાંત ત્યાંથી અન્ય એક જી.જે.૧૦ ઇ.ડી. ૬૮૭૫ નંબરનું મોટરસાયકલ મળી આવ્યું હતું, જેમાં પણ સંતાડેલો ૨૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો. જે દારૂ અને બાઇક પોલીસે કબજે કર્યા છે, અને તેના ચાલકની શોધખોળ હાથ ધરી છે.