રાજકોટમાં જયનગરમાં તસ્કર ટોળકીએ વૃધ્ધને રહેંશી નાંખ્યા

  • May 05, 2025 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા જયનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતા દેવશી ઉકાભાઈ સોલંકી (ઉ.વ ૬૨) નામના વૃદ્ધની રાત્રીના રિક્ષામાં આવેલા સગીર સહિત ચાર શખસોએ તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યાની નીપજાવી હતી. ચારેય શખસો અહીં ડેલમાંથી રૂ.૧૬ હજારનો માલ ચોરી કરી જતા હતા ઘર બહાર શેરીમાં સુતેલા વૃધ્ધે તેમને પડકારતા તેમને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દીધા હતાં. હત્યાના બનાવને લઈ આજીડેમ પોલીસે તાકીદે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ હત્યા કરનાર સગીર સહિત ચારેય શખસોને ઝડપી લીધા હતાં.


હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા મેઇન રોડ પર આવેલા જયનગર મફતિયાપરા વિસ્તારમાં રહેતા દેવશીભાઈ ઉકાભાઈ સોલંકી (ઉ.વ ૬૨) નામના વૃદ્ધ પર રાત્રીના ચાર શખસોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત થયું હતું. હત્યાના બનાવને લઇ આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો.


બનાવ અંગે મૃતકના પુત્ર રાહુલ દેવશીભાઈ સોલંકી 23 દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં ઓટોરિક્ષા નંબર જીજે 3 બીયુ 9266 તથા અજાણી રીક્ષામાં આવેલા શખસ સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે.


યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા દેવશીભાઈ નિવૃત્તિનું જીવન પસાર કરતા હતા. અહીં શેરીમાં ઘરની નજીક કાકા જેન્તીભાઈ પરિવાર સાથે રહે છે અને આ જેન્તીભાઈના દીકરા રસિકભાઈના બે દિવસ બાદ લગ્ન હોય મહેમાન આવ્યા હતા. રાત્રિના ફરિયાદી તેના કાકા તથા પરિવારના સભ્યો જેન્તીભાઈના ઘરે સુતા હતા જ્યારે તેમના માતા રમીલાબેન તેનો ભાઈ વિપુલ તેની પત્ની જયશ્રી બહેન શીતલ બધા યુવાનના ઘરે સુતા હતા અને તેના પિતા દેવશીભાઈ ઘરની બહાર શેરીમાં ખાટલો નાખીને સુતા હતા. રાત્રીના અઢી વાગ્યા આસપાસ યુવકની માતા રમીલાબેન અહીં કાકા જયંતીભાઈના ઘરે આવ્યા હતા અને રડતા હતા અને જયંતીભાઈને કહ્યું હતું કે તમારા ભાઈ લોહીલુહાણ હાલતમાં ઘરે પાસે પડ્યા છે. બાદમાં તમામ સભ્યો અહીં આવી જોતા દેવશીભાઈ લોહીલુહાણ હાલતમાં દરવાજા પાસે પડ્યા હોય ત્યારે અહીં નજીકમાં એક અજાણી ઓટો રીક્ષા તથા અન્ય એક રીક્ષા ઉભી હોય આ રિક્ષાવાળાને હોસ્પિટલ લઈ જવાની વાત તેણે હા કહી હતી. બાદમાં પરિવારના સભ્યો રિક્ષામાં દેવશીભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં દેવશીભાઈ પ્રાથમિક સારવાર શરૂ કરી હતી પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.


દરમિયાન પાડોશી અશોકભાઈ જેરામભાઇ પરીયા હોસ્પિટલે આવ્યા હતા અને વાત કરી હતી કે આપણી શેરીમાં ધૂળધોયાનો ધંધો કરતા સંજય સુરેશભાઈ ડોડીયાના ડેલામાં ચોરી થઈ છે જેથી યુવાન તથા અશોકભાઇ ઘર પાસે ગયા હતાં અને અહીં સંજયભાઈ પણ આવી ગયા હોય અને તેણે કહ્યું હતું કે, મારા ડેલામાં દરવાજાનું તાળું તોડી અંદરથી કોઈ ૧૦ બાચકા કિં.રૂ 16000 નો વેસ્ટેજ માલ ચોરી કરી ગયું છે. જેથી બનાવ સમયે શેરીમાં બે રીક્ષા શંકાસ્પદ રીતે ઉભી હોય યુવાનને શંકા ગઈ હતી જેથી ચોરી કરવા આવેલા આ શખસોએ શેરીમાં સૂતેલા દેવશીભાઈ તેમનો પ્રતિકાર કરતા તેમને તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું માલુમ પડ્યું હતું


હત્યના આ બનાવને લઇ આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ જે.જી.રાણા, એએસઆઇ હારૂનભાઇ ચાનીયા તથા ટીમે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને મનીષ મણીલાલ નારોલા(ઉ.વ ૨૩ રહે. ચુનારાવાડ ચોક), દિપક રમેશભાઇ મોરી(ઉ.વ ૨૦ રહે. જયનનગર મફતીયાપરા), રવિ સંજયભાઇ સોલંકી(ઉ.વ ૨૬ રહે. ચુનારાવાડ ચોક) અને રામનાથપરામાં રહેતા સગીરને ઝડપી લીધો હતો.


જીવલેણ હુમલો કરી આરોપી પોતાની જ રિક્ષામાં વૃધ્ધને હોસ્પિટલ લઇ ગયા

રિક્ષા લઇ ચોરી કરવા આવેલા આ શખસોએ પ્રતિકાર કરતા વૃધ્ધ દેવશીભાઇ સોલંકી(ઉ.વ ૬૨) પ્રતિકાર કરતા તેને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી દીધા હતાં.બનાવ બાદ તેઓ અહીં જ ઉભા હતાં.દરમિયાન લોકો એકત્ર થતા વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલ પણ પોતાની જ રિક્ષામાં લઇ ગયા હતાં.બાદમાં તે અહીંથી નાસી ગયા હતાં.



વૃધ્ધ ત્રણ ભાઇના પરિવારમાં વચેટ હતા

દેવશીભાઇ ત્રણ ભાઇ જલાભાઇ, જેન્‍તીભાઇ અને બે બહેન જયાબેન, ગવીબેનમાં બીજા નંબરે હતાં. તેમને સંતાનમાં બે પુત્ર વિપુલભાઇ, રાહુલભાઇ અને ત્રણ દિકરી શિતલબેન, કાજલબેન, અંજલીબેન છે. તેમના પત્‍નિનું નામ રમીલાબેન છે. આ પરિવાર મોટે ભાગે બહાર જ ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરે છે. હાલમાં દસેક દિવસથી બધા ઘરે આવ્‍યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application