ઇજનેર યુવતીને લગ્નની લાલચ આપી સીએનું વારંવાર દુષ્કર્મ

  • May 05, 2025 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અટિકા ફાટક પાસે અર્જુન પાર્કમાં રહેતા સી.એ.ની પ્રેકટીસ કરતા શખસે ઇજનેર યુવતીને લગ્નની લાલચ આપી તેની સાથે વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ અન્ય યુવતી સાથે સગપણ નક્કી કરી નાંખ્યું હતું. જે અંગે યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


રાજકોટના કાલવાડ રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અટિકા ફાટક પાસે સ્વામીનારાયણ મંદિરની બાજુમાં અર્જુન પાર્કમાં રહેતા સીએની પ્રેકટિસ કરતા દર્શન ભુપેન્દ્રભાઇ પીઠડીયા(ઉ.વ ૨૮) નું નામ આપ્યું છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેણે અમદાવાદમાં બેચલર કોમ્પ્યુટર એંજીનીયરીંગનો અભ્યાસ કર્યો છે.યુવતીના પિતા હયાત નથી.


યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાતેક મહિના પૂર્વે તે યુનિવર્સિટી રોડ પર ક્લાસીસમાં લેક્ચરર તરીકે નોકરી કરતી હતી. દરમિયાન ઓક્ટોબર 2024 માં તે બંબલ નામની એપ્લિકેશન દ્વારા સી.એ. દર્શન પીઠડીયા સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં બંને વચ્ચે મેસેજમાં વાતચીત થતી હતી. ત્યારબાદ મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. તા. 15/10/ 2024 ના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિરની સામે આવેલ ટી પોસ્ટ ખાતે રૂબરૂ મળ્યા હતા. બાદમાં બંને વચ્ચે મોબાઇલમાં વાતચીત થતી રહેતી હતી દરમિયાન દર્શને યુવતીને પ્રપોઝ કર્યું હતું અને બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા.


તા. 18-10-2024 ના અહીં ઓફિસમાં સહકર્મી યુવતીનો જન્મદિવસ હોય જેથી જેનો જન્મદિવસ હતો તે યુવતી તેના ત્રણ મિત્રો તથા ફરિયાદી યુવતી અને દર્શન સહિત તમામ ધારી ગીર ખાતે આવેલા સૂર્યા હિલ વ્યુ રિસોર્ટમાં ગયા હતા અને અહીં બે દિવસ રોકાયા હતા. આ સમયે દર્શને યુવતીને કહ્યું હતું કે, તું મને બહુ ગમે છે. હવે હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું આપણે એકબીજાના પરિવારને વાત કરીને લગ્ન માટે મનાવી લઈશું. હું તારી સાથે જ લગ્ન કરીશ તેમ કહી શારીરિક સંબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તા. 20-10-2024 ના યુવતી અને તેની મિત્ર સહિતના સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરી પરત રાજકોટ આવ્યા હતા. તા. 31/10/2024 ના યુવતી અને દર્શન બંને યુવતીની કારમાં ઉજ્જૈન ગયા હતા અને અહીં રાત્રે રોકાયા હતા તે સમયે અહીં હોટલમાં દર્શને ફરી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાંથી ઉદયપુર ગયા હતા અને ત્યાં ત્રણ દિવસ રોકાયા હતા. આ સમય દરમિયાન પણ દર્શને શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ રાજકોટ પરત ફર્યા હતા અને બંને અવારનવાર એકબીજાને મળતા હતા. યુવતીના માતા ઓફિસે ગયા હોય ત્યારે દર્શન ઘરે અવારનવાર મળવા આવતો અને શારીરિક સંબંધ બાંધતો હતો.


ડિસેમ્બર 2024માં દર્શનના લગ્નની વાત એક યુવતી સાથે થતા દર્શને ફરિયાદીને તેની સાથે જ લગ્ન કરવાનું વચન આપ્યું હતું. તા. 27/12/2024 ના બંને ગોવા ફરવા ગયા હતા અને સાતેક દિવસ રોકાયા હતા. ત્યારે પણ દર્શને અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જાન્યુઆરી 2025 માં ફરી ધારી પાસેના સૂર્યા હિલ વ્યુ રિસોર્ટમાં ગયા હતા અને અહીં બે દિવસ રોકાયા હતા તે સમયે દર્શને શારીરિક સંબંધો બાંધ્યા હતા. બાદમાં દર્શનની મુંબઈમાં રહેતી યુવતી સાથે લગ્નની વાત શરૂ થઈ હતી અને દર્શને યુવતીને કહ્યું હતું કે, મારા પરિવારને આ છોકરી બહુ ગમે છે જે બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મુંબઈથી દર્શન રાજકોટ પરત ફરતા રાજકોટ રેલવે સ્ટેશન ખાતે મોડી રાત્રે યુવતી તેને સમજાવવા માટે ગઈ હતી. ત્યાંથી દર્શન તેને લીમડા ચોક પાસે આવેલી ગેલેક્સી હોટેલે લઈ ગયો હતો. જ્યાં બંને રાતે રોકાયા હતા આ સમયે પણ દર્શને શારીરિક સંબંધો બાંધ્યા હતા. યુવતીએ લગ્નનું કહેતા દર્શને એકવાર તેના પિતા સાથે યુવતીની મુલાકાત કરાવી હતી. પરંતુ દર્શનના પિતાએ લગ્નની ના પાડી હતી.


બાદમાં 19/4/2025 ના સાંજના સમયે દર્શને મેસેજ કર્યો હતો કે મુંબઈવાળી પેલી છોકરી તને જોવા આવી હતી તેમાં શું થયું? દર્શને કહ્યું હતું કે, મને માફ કરજે તે છોકરી મારા માતા-પિતાને ગમી ગઈ છે એટલે હું તેને ના પાડી શક્યો નથી. બાદમાં યુવતીએ દર્શનની જેની સાથે વાત ચાલતી હતી તે યુવતી વિશે તપાસ કરી તેના સગાનો કોન્ટેક્ટ કરી પોતાના પ્રેમ સંબંધની વાત જણાવી હતી. ત્યારબાદ દર્શને વોટસએપમાં મેસેજ કરી કહ્યું હતું કે, તું મને હવે મેસેજ કે ફોન કરતી નહીં તેમ કહી નંબર બ્લોક કરી દીધો હતો. જેથી યુવતીએ દર્શન પીઠડીયા સામે લલચાવી ફોસલાવી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા આ અંગે આ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application