પોરબંદર જિલ્લામાં વરસાદની શકયતા હોવાથી ખેડૂતોને તકેદારી રાખવા થઇ અપીલ

  • May 06, 2025 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લામાં વરસાદની શકયતા અનુસંધાને ખેડૂતો તકેદારી રાખે તેમજ આંબાના પાકના રક્ષણ માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે.
ધરતીપુત્રોને અપીલ
 પોરબંદર જિલ્લાના તમામ ખેડૂતોને અગત્યની સૂચના આપવામાં આવી છે કે હવામાન વિભાગના અનુમાન મુજબ  તા. ૦૯/૦૫/૨૦૨૫ દરમિયાન પશ્ર્ચિમી ખલેલ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) ના કારણે પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદની સાથે ગાજવીજ થવાની શક્યતા છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ સર્જાય તેવી શક્યતાઓ રહેલી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અસમયના વરસાદથી ખેતપેદાશને નુકશાન થતું અટકાવવા ખેડૂતોએ તૈયાર રહેવું અનિવાર્ય છે. ખેતરમાં પડેલા પાકને સલામત સ્થળે ખસેડવો અથવા તાડપત્રીથી ઢાંકવો, ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવવો, જંતુનાશક દવાઓ તથા ખાતરનો ઉપયોગ હાલ ટાળવો, તેમજ ખાતર તથા બિયારણ વિક્રેતાઓએ માલ સુરક્ષિત ગોડાઉનમાં રાખવો. એ.પી.એમ.સી.માં પણ અનાજ તથા પેદાશોને સુરક્ષિત રાખવા અનુરોધ કરવામાં આવે છે.
વિશેષ માહિતી માટે નજીકના ગ્રામસેવક, ખેતી વિભાગના અધિકારીઓ, નાયબ બાગાયત નિયામક કચેરી, પોરબંદર અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરવો.
આંબાના બાગાયતદારોને માર્ગદર્શન 
 ભારત સરકારના હવામાન ખાતા દ્વારા તા. ૦૪/૦૫/૨૦૨૫ થી તા. ૧૦/૦૫/૨૦૨૫ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને અનુલક્ષીને આંબા પાકનું ઉત્પાદન કરતા પોરબંદર જિલ્લાના તમામ ખેડૂત મિત્રો માટે બાગાયત વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવે છે.
બાગાયત વિભાગ દ્વારા મહત્વપૂર્ણ સૂચનો મુજબ આંબા પાકમાં કેરી પરિપક્વ અવસ્થાએ હોય તો તાત્કાલિક વેડો (લણણી) કરી સુરક્ષિત જગ્યા એ રાખવી, પિયત તેમજ રાસાયણિક દવા કે હોર્મોન્સ નો ઉપયોગ કરવો નહી, એ.પી.એમ.સી કે અન્ય જગ્યાએ માલ નું પરિવહન હાલ પૂરતું મુલત્વી રાખવું, એ.પી.એમ.સી ના વેપારી મિત્રો તેમજ ખેડૂત મિત્રો એ કેરી તેમજ અન્ય ખેત પેદાશો ખુલ્લી જગ્યા માં રાખવી, વરસાદ પૂર્ણ થયે ભૂકી છારો તેમજ ફળમાખી માટે બગીચા માં અવલોકન કરીને જ‚રી પગલાં લેવા અને બગીચામાં સાફસફાઈ રાખવી તેમજ તેમજ રોગ જીવાત માટે સાનુકુળ વાતાવરણ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું.
બાગાયત વિભાગ ખેડૂતમિત્રોને ખાસ અનુરોધ કરાયો છે કે તેઓ આ આગાહીને ગંભીરતાથી લઈ પોતાની પાક સલામતી માટે ઉપરોક્ત સૂચનો અનુસાર તાત્કાલિક પગલાં અમલમાં મૂકે અને જ‚ર પડયે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક કચેરી, પોરબંદરનો સંપર્ક કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application