શાળાઓને પડ્યા પર પાટુ: શહેર-જિલ્લાની ૭૪૪ શાળાનો સમાવેશ: આચાર્ય અને શિક્ષકો વેકેશનમાં ધંધે લાગશે: એક વર્ષ પહેલા ખાનગી બેંકમાં ખાતા ખોલાવ્યા બાદ પુન: નિર્ણયમાં ફેરફાર પાછળ અધિકારીઓને અંગત લાભ કે અન્ય બાબત કારણભૂત...?: શિક્ષકોમાં ઉઠેલા સવાલ
જામનગરની સરકારી શાળાઓને રાતોરાત સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને ઝીરો બેલેન્સના હોલ્ડીંગ એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં ખોલાવવાનો આદેશ સમગ્ર શિક્ષા અભિયાનની વડી કચેરીના નાણા નિયંત્રક દ્વારા કરવામાં આવતા શિક્ષકોમાં ભારે દેકારો બોલી ગયો છે. આ આદેશના પગલે શહેર-જિલ્લાની ૭૪૪ સરકારી શાળાના શિક્ષકો વેકેશનમાં ધંધે લાગશે તેમાં બે મત નથી. આટલું જ નહીં આ આદેશના પગલે શાળાઓને પડ્યા પર પાટુની સ્થિતિ સર્જાઇ છે. નવાઇની વાત એ છે કે એક વર્ષ પહેલા ખાનગી બેંકમાં આ ખાતા ખોલાવ્યા બાદ પુન: નિર્ણયમાં ફેરફાર પાછળ અધિકારીઓનો અંગત લાભ કે અન્ય બાબત કારણભૂત છે, તે સવાલ શિક્ષકોમાં જોરશોરથી ઉઠ્યો છે.
રાજ્યની સ્ટેટ પ્રોજેકટ કચેરી દ્વારા તા. ૧ર/૦પ/ર૦રપ ના જામનગર સહિત રાજ્યના તમામ જિલ્લા પ્રોજેકટ કોર્ડીનેટર, પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓને પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં સરકારી શાળાઓના સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને ઝીરો બેલેન્સ હોલ્ડીંગ ખાતા બેંક ઓફ બરોડામાં ખોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાતોરાત શાળાના બેંક ખાતા અન્ય બેંકમાં ખોલાવવાના આદેશથી શિક્ષકોમાં ભારે દેકારા સાથે રોષની લાગણી ફેલાઇ છે. આ આદેશના પગલે જામનગર શહેર-જિલ્લાની ૭૪૪ સરકારી શાળાના શિક્ષકો અને આચાર્યો વેકેશનમાં ધંધે લાગશે તેમાં બે મત નથી.
વળી સ્ટેટ પ્રોજેકટ કચેરી દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં ઝીરો બેલેન્સ અને હોલ્ડીંગ ખાતા તા. ૩૧ મે સુધીમાં ખોલાવવાની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે, જ્યારે એમએમસી, એસએમડીસી, વીઇ, કેજીબીવી, જીઓઆઇના ઝીરો બેલેન્સ એકાઉન્ટ અને હોલ્ડીંગ એકાઉન્ટની કામગીરી ૩૦ જુન સુધીમાં અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા આદેશ કરાયો છે. અત્રે નોંધનીય છે કે, એક વર્ષ પહેલા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા સરકારી શાળાના આ બેંક ખાતા ખાનગી બેંકમાં ખોલાવવામાં આવ્યા હતા. ત્યારે ખૂબ જ ટુંકાગાળામાં સરકારી શાળાઓના આ ખાતા રાતોરાત બેંક ઓફ બરોડામાં ખોલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે, ત્યારે આ નિર્ણયમાં ફેરફાર પાછળ અધિકારીઓનો અંગત લાભ કે અન્ય કોઇ કારણ જવાબદાર છે તે અંગે શિક્ષકોમાં સવાલ ઉઠ્યા છે. બીજી બાજુ વેકેશનમાં પણ બેંક ખાતા ખોલાવવાની કામગીરીના આદેશના પગલે શિક્ષકોમાં ભારે રોષ સાથે દેકારો બોલાી ગયો છે.
શિક્ષણ વિભાગના અણઘડ નિર્ણય અને મનસ્વી કામગીરીથી શિક્ષકો ત્રાહીમામ, અભ્યાસનો ખો નીકળી રહ્યો છે...
જામનગર શહેર-જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં હાલમાં સરકારની વિવિધ ગ્રાન્ટ માટે ચાર બેંક ખાતા કાર્યરત છે, હાલની સ્થિતિએ કોઇપણ સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ભલેને બે કે પાંચ હોય, પણ તે શાળાને અલગ અલગ ચાર બેંક ખાતાનો હિસાબ નિભાવવાનો હોય છે, હાલ દરેક સરકારી પ્રાથમિક શાળામાં એક આચાર્યનું બેંક ખાતું રાષ્ટ્રીયકૃત બેંકમાં, એક એસએમસીનું બેંક ખાતું રાષ્ટ્રીયકૃત બેંકમાં, એક એસએમસી એજ્યુકેશન બેંક ખાતું રાષ્ટ્રીયકૃત બેંકમાં અને એક એસએમસીનું ઝીરો બેલેન્સનું બેંક ખાતું રાષ્ટ્રીયકૃત બેંકમાં કાર્યરત છે.
બીઓબીમાં નવા ખાતા ખોલાવવાનો આદેશ કરાયો છે. પરંતુ ઉપરોક્ત ખાતા બંધ કરવાનો આદેશ કરાયો નથી, આથી દરેક શાળાના આચાર્યે હાલ ઉપરોક્ત ચાર બેંક ખાતાના નાણાકીય હિસાબ, રોજમેળ નિભાવવા પડે છે, તે પૈકી બે બેંક ખાતા એવા છે જેમાં વાર્ષિક ગ્રાન્ટ હેઠળ ા. ૧૦૦૦ ની નજીવી રકમ અથવા થોડું વ્યાજ આવતું હશે, આમ છતાં મહિનામાં અવારનવાર કેટલી ગ્રાન્ટ મળી, કેટલો ખર્ચ થયો ? તેની વારંવાર માહિતી સમગ્ર શિક્ષા અભિયાન કચેરી દ્વારા માંગવામાં આવે છે, આ સ્થિતિમાં શાળાઓને હવે ચાર બેંક ખાતા ઉપરાંત નવા બીઓબીના બે બેંક ખાતા મળી કુલ ૬ બેંક ખાતાના નાણાકીય હિસાબ નિભાવવના થતાં પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.