હાલારમાં સતત બીજા દિવસે માવઠુ: કલ્યાણપુરમાં ૩ ઇંચ વરસાદ

  • May 12, 2025 01:04 PM 


જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે સતત બે દિવસ સુધી માવઠુ થયુ હતું. અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કલ્યાણપુરમાં વીજળીના ભારે કડાકા-ભડાકા વચ્ચે રવિવારે મુશળધાર ૩ ઇંચ વરસાદ વરસતા નદીઓમાં પુર આવ્યા છે જયારે જામજોધપુરમાં દોઢ, લાલપુરમાં એક અને ધ્રોલ તેમજ ખંભાળીયામાં ભારે ઝાપટા પડયા છે. બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે બાગાયતી પાકને નુકશાન થતાં ખેડુતો ચિંતિત થઇ ગયા છે. 


શનિવારે અને રવિવારે હાલારમાં મેઘરાજાએ જાણે કે અષાઢી માહોલ હોય તેમ વરસાદ વરસાવ્યો હતો. શનિવારે ધ્રોલમાં બે કલાકમાં દોઢ ઇંચ, ભાણવડ અને કાલાવડમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે તલ, બાજરી, લસણ, ડુંગળી, મગફળી, પશુઓનો ચારાને ભારે નુકશાન થયુ છે. 


કલ્યાણપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે રવિવારે કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ એકથી ત્રણ ઇંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૧૧૨ મી.મી. થઇ ગયો છે. જયારે ખંભાળીયામાં ઝાપટા પડયા બાદ કુલ વરસાદ ૭૪ મી.મી. અને ભાણવડમાં ઝાપટા બાદ ૯૯ મી.મી. વરસાદ કુલ થયો છે. કલ્યાણપુરના ગામડાઓ રીકોટ, પાનેલી, રાજપરા, બાકોડી, અને ખીજદડમાં ભારે વરસાદ થતાં નદીઓમાં પુર આવ્યું હતું. કલ્યાણપુર પંથકમાં ખેડુતો અત્યારથી મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરી રહ્યા છે.


કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ તેમજ પવનને કારણે વીજ વાયરને નુકશાન થતાં કેટલાક ગામડાઓમાં વીજ પુરવઠો બંધ રહ્યો હતો. અને ઓચિંતુ માવઠુ થતાં બાગાયતી પાકને નુકશાન થતા ખેડુતોને આર્થિક ફટકો પડયો છે. 


જામજોધપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે જામજોધપુરમાં મેઘરાજાએ કમોસમી વરસાદ વરસાવતા ભારે નુકશાન થયુ છે દિવસ દરમ્યાન દોઢ ઇંચ વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા  હતા. ગઇકાલે ભારે પવન ફુંકાતા વીજળી રાણી ગુલ થઇ ગઇ હતી. આજુબાજુના પંથકમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ પડયો છે. 


આ ઉપરાંત લાલપુરથી અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગઇકાલે રવિવારે કમોસમી માવઠુ થતાં ખેડુતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. દિવસ દરમ્યાન ભારે પવન ફુંકાયો હતો અને જોતજોતામાં એક ઇંચ વરસાદ પડતા ખેડુતોને તૈયાર કરેલા બહાર રાખેલા પાકને નુકશાન થયું હતું. 


ધ્રોલમાં અને ખંભાળીયામાં ઝાપટા પડયા છે જયારે ખંભાળીયા તાલુકાનાં માંજા, ભટ્ટ ગામ, લાલીયા, વીંઝલપર, ભારાબેરાજા, ભંડારીયા, કાનપર, શેરડી, સુતારીયા સહિતના ગામડાઓમાં પણ વરસાદ પડયો છે. આમ કમોસમી વરસાદને કારણે કેટલીક નદીઓમાં પાણી આવ્યા હતા. કેટલાક સ્થળોએ વીજ થાંભલા તૂટી પડયા હતા. અને વૃક્ષો પણ પડી ગયા હતા. વરસાદની સાચી સુગંધ તો હવે શ‚ થાય છે ત્યારે હાલમાં અષાઢી માહોલ શરૂ થયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application