લાલપુર તાલુકાના મોટા લખીયા ગામે એક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડીને મહિલા સહિત ૬ જુગારીઓને કુલ ૧.૭૦ લાખના મુદામાલ સાથે દબોચી લીધા હતા તેમજ કાલાવડના માછરડા સોસાયટીની પાછળ જુગાર રમતા ૪ ઝપટમાં આવ્યા હતા અને ધરારનગરમાં પાના ટીંચતી બે મહિલા સહિત ત્રણની અટક કરવામાં આવી હતી. જયારે ત્રણ નાશી ગયા હતા.
જામનગર એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆઇ કાટેલીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એલસીબીના ક્રિપાલસિંહ, ભરતભાઇ અને સુમિતભાઇને ખાનગી બાતમી મળેલ જેના આધારે લાલપુર તાલુકાના મોટા લખીયા ગામે ગંભીરસિંહ પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો ભેગા કરી નાલ ઉઘરાવી તિનપતી જુગારનો અખાડો ચલાવે છે.
જેના આધારે પોલીસે દરોડો પાડીને તિનપતીના જુગારના અખાડામાંથી મોટા લખીયા ગામના ગંભીરસિંહ કરણસિંહ જાડેજા, ખંભાળીયાના દ્વારકા નાકા ખાતે રહેતા બસીર અબ્બાસ ભગાડ, બંદર રોડ સલાયા ખાતે રહેતા આબીદ ઇકબાલ બારોયા, નગરનાકુ સલાયાના અમુલ વસંત પંચમતીયા, નાના આંબલા ગામના મામદ આદમ ગજજણ, બંદર રોડ સલાયાના ઇકબાલ સીદીક બારોયા તથા કાના શિકારી ગામની સગુણાબેન પ્રવિણ ખાડેખા અને દરેડની મીનાબા ધીભા ચુડાસમાની અટકાયત કરી હતી.
પોલીસે દરોડા દરમ્યાન ૫૩૭૦૦ની રોકડ, ૭ મોબાઇલ, ૨ મોટરસાયકલ મળી કુલ ૧.૭૦.૭૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો અને મેઘપરમાં જુગારધારા મુજબ ફરીયાદ નોંધાવી હતી.
બીજા દરોડામાં કાલાવડના માછરડા સોસાયટીની પાછળ જાહેરમાં તિનપતીનો જુગાર રમતા કાલાવડ આંબેડકર નગરના રસિક ઉર્ફે પ્રફુલ ઉગા સોંદરવા, માછરડા સોસાયટીના દુદા કુંભા સોંદરવા, લાલજી ભના સોંદરવા, ચંદુલાલ ભીખા સોંદરવાને પકડી પાડી રોકડા ૩૦૭૦ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.
ઉપરાંત જામનગરના ધરારનગર-૧ શોપીંગ સેન્ટર પાસે સ્ટ્રીટલાઇટના અંજવાળે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ધરારનગરના કાસમ કરીમ બશર, સાયદાબેન કાસમ સાંઘાણી અને નરગીસ અલ્તાફ ચાવડાની અટકાયત કરી હતી, ૨૭૧૦ની રોકડ અને ગંજીપતા જપ્ત કર્યા હતા. જયારે દરોડા વખતે જાવીદ જુસબ ગજણ, હુશેન ઉર્ફે દુળકીયો સુમરા અને હુશેન ઉર્ફે નંદલાલ વાઘેર નામના શખ્સો નાશી ગયા હતા.