ધારાસભ્ય દિવ્યેશ અકબરી રજૂઆતને ઘ્યાનમાં લઇને પ્રથમ તબકકાનાા રુ.૧૨૫ કરોડની ગ્રાન્ટમાંથી ટોકન રુ.૨૫ કરોડની ફાળવણી: પ્રોજેકટને સૈઘ્ધાંતિક મંજુરી અપાઇ
જામનગર શહેરમાં આવેલી રંગમતી નદીને ઉંડી ઉતારી ચોખ્ખી ચણાટ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા રીવર રીજુવીનેશન પ્રોજેકટ માટે અનુદાન આપવા રાજય સરકાર દ્વારા રુ.૧૨૫ કરોડના પ્રોજેકટ માટે પ્રથમ તબકકામાં રુ.૨૫ કરોડની ટોકનની રકમ મુખ્યમંત્રી દ્વારા સૈઘ્ધાંતિક રીતે મંજુર કરવામાં આવી છે. તા.૨-૯-૨૦૨૪ના રોજ જામનગર ૭૯-વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આ પ્રોજેકટ અંગે રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી અને તેમની માંગણીને ઘ્યાનમાં લઇને આ યોજનાને સૈઘ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા રુ.૬૦૦ કરોડના ખર્ચે રંગમતી નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવા માટેની દરખાસ્ત સરકારમાં પેન્ડીંગ છે ત્યારે રંગમતી નદીને ઉંડી ઉતારવા માટેની કામગીરી શરુ કરી દેવામાં આવી છે તેમાં રિલાયન્સ, એસ્સાર સહિતની ખાનગી કંપનીઓ અને કેટલાક ઉદ્યોગપતિઓએ પણ મશીનરી ફાળવી છે. કોર્પોરેશન દ્વારા આ પ્રોજેકટ માટે રુ.૪ કરોડની રકમ ફાળવવામાં આવી હતી અને કામ શરુ થયું છે ત્યારે રંગમતી રીવર રીજુવીનેશન પ્રોજેકટ માટે સિંચાઇ વિભાગની મંજુરી પણ બે માસ માટે મેળવવામાં આવી હતી, આ યોજના અંગેનો ડ્રાફટ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રીને આપવામાં આવ્યો હતો.
ગુજરાત શહેરી વિકાસ મીશન દ્વારા પણ યોજના અંગે કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે જેમાં રંગમતી રિવરના આ પ્રોજેકટ માટે પ્રથમ તબકકામાં આ રકમ ફાળવાઇ છે, આ રકમ પ્રારંભીક તબકકાની ટોકન માટેની છે, ગુજરાત શહેરી વિકાસ મિશન ખાતે ઉપલબ્ધ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવશે. આ બધી વિગતોનું સર્વેક્ષણ કરીને ડીપીઆર, અંદાજો અને નકશા પણ કોર્પોરેશને રજૂ કરવાના રહેશે, ઉપરાંત તાંત્રીક અને વહિવટી મંજુરી મેળવી સિંચાઇ વિભાગની મંજુરી મેળવી તમામ શરતોનું પાલન પણ કરવાનું રહેશે.
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તા. ૨ સપ્ટે. ૨૦૨૪ ના રોજ રંગમતીના આ પ્રોજેકટ માટે રજૂઆત કરી હતી, ત્યારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તેઓને પ્રથમ તબકકાના રુ.૨૫ કરોડની ફાળવણી અંગેનો પત્ર પણ આપી દેવામાં આવ્યો છે, આમ હવે આ પ્રોજેકટ સડસડાટ શરુથશે. આમ તો એક અબજ ઉપરના આ પ્રોજેકટ માટે જેમ-જેમ કામ થશે તેમ-તેમ રુપીયા આપવામાં આવશે તેમ જાણવા મળે છે. એકાદ-બે દિવસમાં કોર્પોરેશનને આ અનુદાનની રકમ મળી જશે.