વોટ્સએપ બિઝનેસનો ઉપયોગ કરીને ગ્રાહકો સાથે વાતચીત કરતી કંપનીઓ અને વેપારીઓ માટે મેટાએ મોટો ફેરફાર કર્યો છે. એક ઓક્ટોબરથી વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ પર કેટલાક સર્વિસ મેસેજ માટે ચાર્જ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આવા કેટલાક મેસેજ મફતમાં મોકલી શકાતા હતા, પરંતુ હવે દરેક ડિલિવર થયેલા મેસેજના આધારે કંપનીએ નાણાં ચૂકવવા પડશે.નવો નિયમ ખાસ કરીને વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા સોલ્યુશન પ્રોવાઇડર અને સીધું ઇન્ટિગ્રેશન ધરાવતા બિઝનેસ માટે લાગુ થયો છે. મેટાએ આવા બિઝનેસને ૩૦ સપ્ટેમ્બર સુધી પોતાના એકાઉન્ટમાં પેમેન્ટ મેથડ ઉમેરવા જણાવ્યું હતું. પેમેન્ટ મેથડ નહીં જોડનાર એકાઉન્ટમાંથી મોકલાતા સર્વિસ મેસેજની ડિલિવરી એક ઓક્ટોબરથી અટકી શકે છે.નવા નિયમ હેઠળ મુખ્ય ફેરફાર નોન-ટેમ્પલેટ સર્વિસ મેસેજમાં થયો છે. ગ્રાહક કોઈ બિઝનેસને વોટ્સએપ પર મેસેજ કરે ત્યારથી ૨૪ કલાકની કસ્ટમર સર્વિસ વિન્ડો શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન બિઝનેસ ગ્રાહકને જવાબરૂપે જે નોન-ટેમ્પલેટ મેસેજ મોકલે છે તેના પર હવે ચાર્જ લાગી શકે છે. ગ્રાહક ફરી મેસેજ કરે તો આ ૨૪ કલાકની વિન્ડો ફરી શરૂ થાય છે.આ પ્રકારના મેસેજ કસ્ટમર સર્વિસ એજન્ટ ઉપરાંત કોઈ થર્ડ-પાર્ટી એઆઇ સિસ્ટમ દ્વારા પણ મોકલવામાં આવ્યા હોય તો તે પણ નવા ચાર્જના નિયમમાં આવી શકે છે. મેટા મેસેજ મોકલવાના બદલે વાસ્તવમાં ડિલિવર થયેલા મેસેજના આધારે ચાર્જ ગણશે.ચાર્જની રકમ દરેક દેશમાં કે માર્કેટમાં અલગ હોઈ શકે છે. મેટાના જણાવ્યા મુજબ સર્વિસ મેસેજનો દર જે તે માર્કેટમાં લાગુ યુટિલિટી અને ઓથેન્ટિકેશન મેસેજના દર જેટલો રહેશે. વધુ સંખ્યામાં મેસેજ મોકલનાર બિઝનેસને અલગ વોલ્યુમ ટિયરનો લાભ પણ નહીં મળે.