સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં છેલ્લા કેટલાક સપ્તાહથી વરસાદે લાંબો વિરામ લીધો છે ત્યારે હવે ભાદરવા મહિનામાં મેઘરાજાની ફરી પધરામણીના સંકેતો મળી રહ્યા છે. રાજ્ય હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને ૧૨ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી માહોલ સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દરમિયાન આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન અમરેલીના લીલીયા પંથકમાં એક ઇંચ જ્યારે દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર, ભાણવડ, ઉપલેટા લાલપુર અને માંડવી કચ્છ પંથકમાં એકથી આઠ મિલીમીટર સુધીના ઝાપટા વરસ્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાના સંજોગો છે. આ સિસ્ટમ આગળ વધતાં તેની અસર ગુજરાત સુધી પહોંચશે અને તેના કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાશે. હાલની સ્થિતિની સરખામણીએ આગામી દિવસોમાં વરસાદની પ્રવૃત્તિમાં વધારો થવાની શક્યતા છે.
આગાહી મુજબ ૧૨ સપ્ટેમ્બરથી વરસાદ શરૂ થયા બાદ ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે. ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિ ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો માટે નવી સિસ્ટમ આશાનું કિરણ બની છે. જોકે વરસાદનું વિતરણ એકસરખું રહેવાની શક્યતા નથી અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. ૧૨થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન વરસાદી ગતિવિધિમાં વધારો થવાના કારણે ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળવાની શક્યતા છે.