હાડમારી યથાવત, જામનગરમાં રાંધણગેસના બાટલામાં ૧૦ દી’નું વેઇટીંગ
રઝળપાટ: શહેરની રાષ્ટ્રીયકૃત બેંકોને ચલણી નોટો પૂરતા પ્રમાણમાં ફાળવવામાં ન આવતા નાણાં ઉપાડવામાં પગે પાણી ઉતરી રહ્યાની લોક ફરિયાદો
જીવનજરૂરી ઘરેલું ગેસના બાટલા અને નાણાંકીય વ્યવહારો માટે અનિવાર્ય ચલણી નોટની શોર્ટ સપ્લાયથી પારાવાર મુશ્કેલી ભોગવતા શહેરીજનો
જામનગરમાં રાંધણગેસના બાટલામાં ૧૦ દીવસનું વેઇટીંગ હોય લોકોની હાડમારી અને રઝળપાટ યથાવત રહી છે. બીજી બાજુ શહેરની રાષ્ટ્રીયકૃત બેંકોમાં ચલણી નોટો પૂરતા પ્રમાણમાં ન આવતા નાણાં ઉપાડવામાં પગે પાણી ઉતરી રહ્યાની ફરિયાદો પણ લોકોમાં જોરશોરથી ઉઠી છે. જીવનજરૂરી ઘરેલું ગેસના બાટલા અને નાણાંકીય વ્યવહારો માટે અનિવાર્ય ચલણી નોટની શોર્ટ સપ્લાયથી શહેરીજનો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે આ બંને સમસ્યાના નિરાકરણ માટે બેંકના અધિકારીઓ અને વહીવટીતંત્ર યોગ્ય પગલાં લેશે કે ચલતી હે ની નીતિ અપનાવશે તે જોવાનું રહ્યું.
અમેરિકા,ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુઘ્ધમાં વિરામ બાદ પુન: સામસામ હુમલા શરૂ થયા છે. જો કે, આ વચ્ચે ક્રુડ ઓઇલ, ગેસની આયાત-નિકાસ માટે મહત્વની હોર્મુઝની ખાડીમાં હજુ જહાજોનું આવાગમન પૂર્વવત થયું નથી. જેના કારણે ગેસ અને ક્રુડની શોર્ટ સપ્લાય હજુ યથાવત છે. જામનગરમાં રાંધણગેસના બાટલાની મોકાણ હજુ યથાવત છે. કારણ કે, ઓઇલ કંપનીઓ દ્વારા ગેસ એજન્સીઓને પહેલાની જેમ નિયમિત ગેસના બાટલાનો જથ્થો ફાળવવામાં આવતો નથી. જેના કારણે શહેરની ગેસ એજન્સીઓમાં રાંધણગેસના બાટલામાં ૧૦ દીવસનું વેઇટીંગ ચાલી રહ્યું છે. એટલે કે, ગ્રાહક તા.૧ના બાટલો નોંધાવે તો તા.૧૦ સુધી તેમને મળતો નથી.
નવાઇની વાત તો એ છે કે, વહીવટીતંત્ર દ્વારા રાંધણગેસની અછત ન હોય અને સ્થિતિ સામાન્ય હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ ગેસ એજન્સીઓમાં ચાલી રહેલા ૧૦ દીના વેઇટીંગ આ દાવાની પોલ ખોલી રહ્યા છે. હજુ પણ શહેરમાં રાંધણગેસની ડીલીવરી મળ્યા બાદ ૨૫ દીવસે અને ગ્રામ્ય વિસ્તારોમાં ૩૫ દીવસ પછી રાંધણગેસનો બાટલો ગ્રાહક નોંધાવી શકે છે. પરંતુ રાંધણગેસનો બાટલો નોંધાવ્યાના ૧૦-૧૦ દીવસ સુધી બાટલાની ડીલીવરી મળતી ન હોવાની ફરિયાદો લોકો કરી રહ્યા છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે,રાંધણગેસના સીલીન્ડરના ભાવમાં બે મહીનામાં રૂ.૮૯નો વધારો ઝીંકવામાં આવતા ભાવ રૂ.૯૫૪.૫૦ પર પહોંચ્યા છે. આમ છતાં રાંધણગેસનો બાટલા લોકોને સમયસર મળતા ન હોય રઝળપાટ કરવી પડે છે.
બીજી બાજુ ચલણીનોટની અછતની રામાયણ દીન-પ્રતિદિન વધતી જાય છે. રૂ.૧૦ અને ૨૦ની નવી ચલણી નોટો આવતી નથી. આથી બેંકોમાંથી લગભગ મળતી નથી. તદઉપરાંત શહેરની રાષ્ટ્રીયકૃત બેંકોને રિઝર્વ બેંક દ્વારા રૂ.૧૦૦,૨૦૦ની ચલણી નોટો પણ ખૂબજ ઓછી ફાળવવામાં આવે છે. જયારે રૂ.૫૦૦ની ચલણી નોટો પણ પૂરતા પ્રમાણમાં ફાળવવામાં આવતી ન હોવાનું બેંકીંગ વિભાગના અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. જેના કારણે જો કોઇ ગ્રાહકનું રૂ.૫, ૧૦ કે તેનાથી મોટી રકમ ખાતામાંથી ઉપાડવી હોય તો તેને બે થી ત્રણ ધકકા ખાવા પડે છે. કારણ કે બેંકો દ્વારા એકસાથે મોટી રકમનું પેમેન્ટ કરવાને બદલે કટકે કટકે પેમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદો ગ્રાહકોમાં ઉઠી છે. આમ રોજબરોજના આર્થિક વ્યવહારો માટે જરૂરી ચલણી નોટોની ફાળવણી બેંકોને પૂરતા પ્રમાણમાં કરવામાં ન આવતા નાણાં ઉપાડવામાં લોકોને પગે પાણી ઉતરી રહ્યા છે. નવાઇની વાત તો એ છે કે, ગ્રાહકના ખાતામાં નાણાં હોવા છતાં ચલણી નોટો પૂરતા પ્રમાણમાં ન આવતા એકસાથે મોટી રકમ ઉપાડી શકતા ન હોવાની થોકબંધ ફરિયાદો ઉઠી છે ત્યારે આ સળગતી સમસ્યાનું નિરાકરણ કરવા પગલાં લેવાશે કે પછી ગ્રાહકો ભલે ને હેરાન થાય બેંકોને શું તે નીતિ અપનાવામાં આવશે તે જોવાનું રહ્યું.