દ્વારકાથી 270 કિમી દૂર કોસ્ટગાર્ડ દ્વારા 12 ક્રૂ મેમ્બરનો બચાવ

  • December 06, 2024 12:18 PM 

અરબી સમુદ્રમાં ડૂબ્યું પોરબંદરનું જહાજ: જહાજ બીજી ડિસેમ્બરે રવાના થયું હતું


ભારતીય કોસ્ટ ગાર્ડે દેશના એક વેપારી જહાજના 12 ક્રૂ મેમ્બરને બચાવ્યા છે. પોરબંદરથી ઈરાનના બંદર અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું. ત્યારે ટેક્નિકલ ખામીના કારણે જહાજ અરબી સમુદ્રમાં ડૂબ્યું હતું. એમએસવી અલ પીરાનપીર જહાજ બુધવારે (ચોથી ડિસેમ્બર) પાકિસ્તાનની જળસીમામાં ડૂબ્યું હતું. જેને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી.


આ વેપારી જહાજ પોરબંદરથી ઈરાની બંદર માટે બીજી ડિસેમ્બરે રવાના થયું હતું. બુધવારે (ચોથી ડિસેમ્બર) સવારે દરિયામાં તોફાન અને પૂરના કારણે તે ડૂબી ગયું હતું. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના એમઆરસીસી, મુંબઈ દ્વારા એક ડિસ્ટ્રેસ કોલ આવ્યો હતો, જેણે ગાંધીનગર ખાતેના આઇસીજી રિજનલ હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ)ને તાત્કાલિક ચેતવણી આપી હતી. આઇસીજી જહાજ સાર્થકને તાત્કાલિક નિર્ધારિત સ્થળે મોકલવામાં આવ્યું હતું. આ વિસ્તારના ખલાસીઓને ચેતવણી આપવા માટે એમઆરસીસી પાકિસ્તાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમની સહાય તરત જ પૂરી પાડવામાં આવી હતી. બાદમાં, જહાજ સાર્થકને સંભવિત સ્થાન પર પહોંચ્યું અને રેસ્ક્યૂ ઓપરેશન કરીને તમામ ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતા.


પ્રાપ્ય અહેવાલો અનુસાર, 12 ક્રૂ મેમ્બર જેમણે તેમના જહાજને છોડી દીધું હતું અને નાની હોડીમાં આશ્રય લીધો હતો, તેઓને દ્વારકાથી લગભગ 270 કિમી દૂર પાકિસ્તાનના વિસ્તારમાં મળી આવ્યા હતા. પીએમએસએ વિમાન અને વેપારી જહાજ એમવી કોસ્કો ગ્લોરી દ્વારા ક્રૂ મેમ્બરની શોધમાં મદદ લેવામાં આવી હતી. રેસ્ક્યૂ કરાયેલા ક્રૂ મેમ્બર્સની સાર્થક પરની મેડિકલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેઓની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું હતું. તેઓને પોરબંદર બંદર પર પાછા લઈ જવામાં આવી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application