જામનગર : સરગમ નવરાત્રી મહોત્સવમાં ૧૪૪ દિકરીઓ માતાજીની આરાધના કરશે
યુવાનો/યુવતિઓમાં વ્યક્તિ વિકાસ તથા વ્યક્તિત્વ વિકાસ માટે પ્રયત્નશીલ સંસ્થા એટલે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ - જામનગર, સમગ્ર વર્ષ દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આરોગ્યલક્ષી સેવાકિય તેમજ વિકાસલક્ષી, પ્રવૃતિઓ જેમ કે તાલીમ વર્ગો, બેઠકો, શિબીરો, વિભિન્ન ઉત્સવોનું આયોજન, મેડીકલ કેમ્પ વગેરેનું આયોજન કરે છે. આ ટ્રસ્ટની સમગ્ર જામનગરને ઉપયોગી એવી સેવાપ્રવૃતિઓમાં શીરમોર સમી પ્રવૃત્તિ એટલે સંસ્થા દ્વારા સંચાલિત વિનામૂલ્યે અંતિમ યાત્રા રથ ની સેવા છે.
આ બધી જ પ્રવૃતિઓના કેન્દ્રમાં વ્યકિત વિકાસ, સમાજ સેવાની સાથે સાથે આપણા બહુમૂલ્ય સાંસ્કૃતિક વારસા નું જતન પણ મુખ્ય ધ્યેય હોય, આ ધ્યેય ને કેન્દ્રમાં રાખી ગુજરાતની આગવી ઓળખ સમાન રાસ ગરબા ના ભવ્ય વારસાના જતન માટે છેલ્લા ઘણા સમય થી ’સરગમ નવરાત્રી મહોત્સવ’ નું ભવ્યાતિભવ્ય આયોજન થઈ રહયું છે. સરગમ નવરાત્રી મહોત્સવ એટલે વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતીને અનુરૂપ ગરબા મહોત્સવ... જેમાં પ્રાચીન - અવાર્થીન પરંપરા અનુસાર ૧૪૪ જેટલી જગદંબા સ્વરૂપ દિકરીઓ માં ની આરાધના કરે છે અને જામનગરની જનતાને કોઈપણ જાતની પ્રવેશ ફી વગર પારિવારીક રીતે આ નવરાત્રિ મહોત્સવ માણવા માટે ઉચીત વ્યવસ્થા કરવામાં આવે છે.
તારીખ : ૧૧-૧૦-૨૦૨૬, રવિવાર થી ૨૦-૧૦-૨૦૨૬ મંગળવાર સુધી, સમય : રાત્રે ૮:૩૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન, પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે, જામનગર ખાતે આયોજન કરાયું છે, નવરાત્રી માટે ૬૦ બાય ૬૦ ફૂટના વિશાળ સ્ટેજ પર દિકરીઓ રાસ-ગરબા દ્વારા માંની આરાધના કરશે.
નવરાત્રી દરમ્યાન ૬ થી ૭ હજાર નાગરિકો બેસી નવરાત્રી મહોત્સવ માણી શકે તેવી સુંદર વ્યવસ્થા તેમજ શહેરના સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ, પદાધીકારીઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, ડોકટરો, તથા દાતાશ્રીઓ, આમંત્રીત મહેમાનો, પત્રકારો માટે પણ બેસવાની ઉચીત વ્યવસ્થા કરવામાં આવે છે.
સમગ્ર એરેનાની વ્યવસ્થા માટે રપ થી વધુ પ્રાઈવેટ સીકયોરીટી ઉપરાંત ૧૫ થી વધુ સ્વયંસેવક ભાઈઓ ખડેપગે રહે છે. સમગ્ર એરેનાને ૧૫ થી વધુ સી.સી.ટી.વી. કેમેરા દ્વારા સુસજજ કરવામાં આવેલ છે. મહોત્સવ માણનાર પબ્લીક માટે પાર્કીંગની સુવિધા પણ વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડ ઉપર મેડીકલ ટીમ સજજ રહેશે.
સમગ્ર નવરાત્રી મહોત્સવ માટે છેલ્લા ૨ મહિનાથી વધુ સમયથી ૧૪૪ થી વધુ દિકરીઓ પ્રેકટીસ કરી તમામ ગદમા ગરબાઓ માટે પોતાના તાલથી તાલ મીલાવી રહી છે. ૧૪૪ બાળાઓને પાંચ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવી છે અને ૩૦ થી વધુ રાસ-ગરબાઓ માડી તારા અઘોર નગારા વાગે, ડાકલા પેરોડી, રાજસ્થાની ગરબા જેવા સુંદર રાસ ગરબાઓનું તૈયાર કરવામાં આવેલ છે. સમગ્ર નવરાત્રી મહોત્સવની કોરીયોગ્રાફી માટે બે માસથી વધુ સમયથી જહેમત ઉઠાવાઈ રહી છે.
૧૪ ફૂટની વિશાળ ગુજરાતના નવરાત્રીના જાહેર કાર્યક્રમમાં જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૫૪ સ્ક્રીન ઉપર ગરબાઓનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે, જે જામનગરની જનતાને ઘેલું લગાડશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. લાઈવ સ્કીન સાથે દીકરીઓને વિવિધ થીમ સાથે ગરબે ઘુમતી જોવી એ એક લ્હાવો બની રહેશે. સરગમ નવરાત્રી મહોત્સવ ર૦ર૪ ને સફળ બનાવવા લોટસ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ભરત ઢોલરીયા, શૈલેષ પટેલ, બીપીન સોરઠીયા, જમન બાબીયા, સંજય સુદાણી, અરવિંદ કોડીનારીયા, હેમત દોમડીયા તેમજ નવરાત્રી ક્ધવીનર તરીકે રાજન મુંગરા, સુભાષ ઘાડિયા, ચેતન ઢોલરીયા, અરવિંદ સોજીત્રા, હસમુખ દોમડિયા, અશોક અમીપરા તેમજ વિવિધ વ્યવસ્થા કમિટીના ચેરમેન તથા મહિલા વિંગની ટીમ ખભે ખભા મીલાવી કામ કરી રહયા છે.